લિબિયાનો સરમુખત્યાર કદ્દાફી ઠાર : અંતિમ સમયે કહ્યું, મને ગોળી ન મારો

21 October, 2011 03:45 PM IST  | 

લિબિયાનો સરમુખત્યાર કદ્દાફી ઠાર : અંતિમ સમયે કહ્યું, મને ગોળી ન મારો

 

 

છેલ્લા ગઢ સર્તિનું પતન થતાં સરમુખત્યાર કદ્દાફી હણાયા : લિબિયામાં જશન

ક્રાન્તિકારી દળોએ કદ્દાફીનો છેલ્લો ગઢ સર્તિ પણ જીતી લીધા બાદ તેમને એક હોલમાં સંતાયેલા શોધી કાઢ્યા હતા અને ત્યાર બાદ તેમના પર અનેક ફાયરિંગ થયાં હતાં. લિબિયાના વડા પ્રધાન મહમૂદ જિબ્રિલે ત્રિપોલીમાં પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને જાહેરાત કરી હતી કે ‘મુઅમ્મર કદ્દાફીને મારી નાખવામાં આવ્યા છે. અમે આ ક્ષણની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા.’


લિબિયાના નૅશનલ ટીવી અને અલ-જઝીરા ટીવીએ કદ્દાફી જેવા દેખાતા લોહીલુહાણ થયેલા પુરુષનાં ફુટેજ બતાવ્યાં હતાં. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. તેના મૃતદેહને ઢસડીને મિસરાતા મસ્જિદમાં લઈ જવામાં આવ્યો હતો.


હોલમાં સંતાયા હતા


કાઉન્સિલના એક કમાન્ડરે કહ્યું હતું કે ‘કદ્દાફી એક હોલમાં સંતાયા હતા. ક્રાન્તિકારી સૈનિકોએ તેમને પકડ્યા ત્યારે તેઓ અંતિમ શબ્દો બોલ્યા હતા કે ‘મને ઠાર ન મારો.’ જોકે આ એક ઐતિહાસિક ક્ષણ છે. સરમુખત્યારશાહી અને સિતમનો અંત છે.’


કદ્દાફીના મોતના સમાચાર ફેલાતાં ત્રિપોલીમાં ઉત્સવ જેવું વાતાવરણ પ્રસર્યું હતું. ઠેકઠેકાણે ‘અલ્લાહુ અકબર’ના નારાઓ સંભળાયા હતા. ક્રાન્તિકારીઓએ ખુશી મનાવતાં હવામાં ગોળીબાર કર્યા હતા. મોટરિસ્ટોએ કારનાં હૉર્ન વગાડીને આનંદ વ્યક્ત કયોર્ હતો. લોકોએ એકબીજાને ભેટીને રાષ્ટ્રગીત ગાયું હતું. વિશ્વમાં કદ્દાફી માર્યા ગયાના સમાચાર વહેતા થતાં આનંદ ફેલાઈ ગયો હતો. વિશ્વના મોટા ભાગના દેશોના નેતાઓએ કદ્દાફીના મોતને આવકાર્યું હતું.


૧૯૬૯માં સત્તા પર આવ્યા


કદ્દાફી ૧૯૬૯માં રક્તવિહીન ક્રાન્તિ કરીને સત્તા પર આવ્યા હતા. જોકે તેઓ ત્યારે ફક્ત લશ્કરના કૅપ્ટન હતા. પછીથી  ૨૦૦૮માં તેમણે ‘રાજાઓના રાજા’નું બિરુદ મેળવ્યું હતું. ફેબ્રુઆરીથી તેમની વિરુદ્ધ બળવો શરૂ થયો હતો. માનવતા સામેના સિમતો બદલ નેધરલૅન્ડ્સના હેગ ખાતેની ઇન્ટરનૅશનલ ક્રિમિનલ ર્કોટે કદ્દાફી સામે વૉરન્ટ બહાર પાડ્યું હતું.


પુત્ર પણ ગયો


કદ્દાફીનો પુત્ર અને સંરક્ષણ પ્રધાન અબુ બકર યુનુસ જબ્ર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઑગસ્ટમાં કદ્દાફીએ ત્રિપોલી ગુમાવ્યું હતું. છેલ્લા બે મહિનાથી નૅશનલ ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ સર્તિને જીતવાનો પ્રયાસ કરી રહી હતી.