હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ

29 November, 2021 12:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીએ ફરી અપહરણ થયાની શક્યતા વ્યક્ત કરી છે.

ફાઇલ ફોટો

હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીએ ફરી અપહરણ થયાની શક્યતા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તેને ડર છે કે તેનું ફરીથી અપહરણ થઈ શકે છે. ANI સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ચોક્સીએ કહ્યું કે “મારું ફરીથી અપહરણ કરી, મને ગુયાના લઈ જવામાં આવે તેવી શક્યતા છે, જ્યાં ભારતીયોની મોટી વસ્તી છે. ત્યાંથી મને ગેરકાયદેસર રીતે ભારત મોકલવાની પ્રક્રિયા થઈ શકે છે.” ચોક્સીએ કહ્યું કે “નાદુરસ્ત તબિયતને કારણે તે હાલમાં એન્ટિગુઆમાં તેના ઘરે છે, પરંતુ મને આવું લાગે છે કે મારું ફરી એકવાર ભારતમાં લઈ જવા માટે અપહરણ કરવામાં આવશે.”

ANI સાથે વાત કરતા ચોક્સીએ કહ્યું કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી ડરી ગયો છે. ખરાબ તબિયતના કારણે તે ઘરની બહાર પણ નીકળી શકતો નથી. મેહુલ ચોક્સીએ કહ્યું કે “મારા વકીલો એન્ટિગુઆ અને ડોમિનિકા બંને કેસ લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું આ કેસમાં નિર્દોષ છૂટી જઈશ, કારણ કે હું એન્ટિગુઆનો નાગરિક છું, મારું અપહરણ કરી, મારી મરજી વિરુદ્ધ અલગ દેશમાં લઈ જવામાં આવ્યો હત.”

ચોક્સીએ કહ્યું કે કેટલીક સરકારો મારી હાજરી સુરક્ષિત કરવા માટે આટલી હદે જવા તૈયાર છે, પરંતુ મને રાષ્ટ્રમંડલ દેશોની કાયદાકીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે આખરે મારી સાથે ન્યાય થશે.” ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં મેહુલ ચોક્સી એન્ટિગુઆથી અચાનક ગુમ થઈ ગયો હતો. થોડા સમય પછી તે ડોમિનિકામાં પકડાયો હતો.

ચોક્સી પર પીએનબી કૌભાંડનો આરોપ છે

એન્ટિગુઆ અને બરબુડામાં રહેતા 61 વર્ષીય ભારતીય બિઝનેસમેન અને ગીતાંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોકસીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એન્ટિગુઆ ભાગી જતા પહેલાં મેહુલ ચોક્સી પર PNB કૌભાંડમાં આશરે રૂા. 7,080 કરોડની ગેરરીતિ કરવાનો આરોપ છે. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યાના એક મહિના પહેલાં ચોક્સી 4 જાન્યુઆરી, 2018ના રોજ એન્ટિગુઆ ભાગી ગયો હતો.

international news