પોતાનાં આઠ નવજાત શિશુઓની હત્યા કરનારી ફ્રેન્ચ મહિલાને ર્કોટે છોડી મૂકી

04 August, 2012 08:24 AM IST  | 

પોતાનાં આઠ નવજાત શિશુઓની હત્યા કરનારી ફ્રેન્ચ મહિલાને ર્કોટે છોડી મૂકી

 

ફ્રાન્સમાં ૪૫ વર્ષની એક મહિલાએ ૧૯૮૯થી ૨૦૦૬ દરમ્યાન તેના સગા પિતાએ કરેલા શારીરિક શોષણને કારણે પેદા થયેલાં આઠ નવજાત શિશુઓને મારી નાખ્યાં હતાં. આ મહિલા સામે લાંબો સમય ચાલેલી કાર્યવાહી બાદ ર્કોટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. જોકે તેને થોડો સમય માનસિક સારવાર આપવામાં આવશે.  વજનદાર શરીર હોવાથી ડૉમિનિક દરેક વખતે પ્રેગ્નન્સી છુપાવવામાં સફળ રહેતી હતી. ડૉમિનિકે જણાવ્યું હતું કે પિતાને કારણે બાળકો પેદા થયાં હોવાનું પતિથી છુપાવવા માટે તેણે આ કૃત્ય આચર્યું હતું.

 

ડૉમિનિક કૉટરેઝ પોતાના જ ઘરમાં સતત ૨૦ વર્ષ સુધી પિતાના શોષણનો ભોગ બનતી રહી હતી. નર્સિંગ અસિસ્ટન્ટ તરીકેનું કામ કરતી ડૉમિનિકે છૂપી રીતે તમામ બાળકોને જન્મ આપ્યાં હતાં. પૅરિસની ઉત્તરે આવેલા વિલર્સ-ઑવ-ટર્ટર નામના ગામમાં ડૉમિનિકે તમામ નવજાત શિશુઓની ગળું દબાવીને હત્યા કરી હતી. ડૉમિનિકે પોલીસને જણાવ્યું હતું કે આ બાબતે તેના પતિને કશી જ જાણ નહોતી. ડૉમિનિકનાં બે નવજાત બાળકોના મૃતદેહના અવશેષો તેનાં માતા-પિતાના ઘરમાંથી તથા અન્ય છ બાળકોના મૃતદેહના અવશેષો તેમના ગામમાં આવેલા બીજા એક ઘરમાંથી પ્લાસ્ટિકની બૅગમાંથી મળી આવ્યા હતા. એ પછી પોલીસે ડૉમિનિકની ધરપકડ કરી હતી. બાદમાં તેણે ગુનો સ્વીકારી લેતાં સમગ્ર હકીકત જણાવી હતી. ડૉમિનિકના વિકૃત પિતાનું ૨૦૦૭માં મોત નીપજ્યું હતું.