મસ્જિદોમાં શિક્ષણ નહીં આપી શકાય

12 December, 2020 03:33 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

મસ્જિદોમાં શિક્ષણ નહીં આપી શકાય

પ્રતીકાત્મક તસવીર

ફ્રાન્સમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. હવે વધી રહેલા ઇસ્લામિક કટ્ટરવાદને નાથવા ઇમેન્યુઅલ મેક્રોન સરકાર એક નવું બિલ લઈને આવી છે. આ બિલ અંતર્ગત મહિલાઓ અને પુરુષો માટે અલગ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા બંધ કરી દેવાશે અને ત્રણ વર્ષથી જ બાળકોને શાળાએ મોકલવા ફરજિયાત હશે. ઇમેન્યુઅલ મેક્રૉં સરકારનો પ્રયત્ન એવી ગેરકાયદેસર શાળાઓ પર પ્રતિબંધ લગાવવાનો છે, જ્યાં કોઈ ખાસ એજન્ડા પર અભ્યાસ કરવામાં આવે છે. ફ્રાન્સમાં રહેતા તમામ ધર્મના લોકો માટે ત્રણ વર્ષનાં બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે. બાળકોને હોમ-સ્કૂલિંગની મંજૂરી માત્ર ખાસ પરિસ્થિતિઓમાં જ આપવામાં આવશે.

પેરિસની ઘટના બાદથી મેક્રોન ઇસ્લામિક આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યાં છે. જેના કારણે ટર્કી અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોએ તેમની સામે મોરચો ખોલ્યો છે. હવે ઇસ્લામિક કટ્ટરવાદ સામે લાલઘૂમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું કહેવું છે કે આ બિલ રાષ્ટ્રને નબળા બનાવી રહેલા અલગાવવાદીઓને જડમૂળથી ઉખાડી ફેંકવા અસરકારક રહેશે અને બાળકોને શરૂઆતથી જ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. સૂચિત કાયદો સપોર્ટિંગ રિપબ્લિકન પ્રિન્સિપાલ દ્વારા બાળકોને ઘરે અથવા મસ્જિદોમાં અભ્યાસ કરતાં અટકાવશે. રાષ્ટ્રપતિનું માનવું છે કે આ ફ્રાન્સના મૂલ્યો સામેની વિચારધારાને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોને સમાપ્ત કરવામાં મદદ કરશે. આ બિલમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ સ્વિમિંગ પૂલો નાબૂદ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોને પૂજા સ્થાનો તરીકે નોંધવામાં આવશે જેથી તેઓની વધુ સારી ઓળખ થઈ શકે. આ ઉપરાંત ન્યાયાધીશને આતંકવાદ, ભેદભાવ, નફરત અથવા હિંસાના દોષિત વ્યક્તિને મસ્જિદની મુલાકાત લેતા અટકાવવાનો અધિકાર રહેશે. બિલમાં વિદેશી ભંડોળ પર નજર રાખવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. કાયદો અમલમાં આવ્યા બાદ ૧૦,૦૦૦ યુરોથી વધુના વિદેશી ભંડોળની સંપૂર્ણ માહિતી આપવી પડશે.

international news france