અમેરિકામાં બે મહિનામાં શૂટઆઉટની ચોથી ઘટના

01 September, 2012 09:58 AM IST  | 

અમેરિકામાં બે મહિનામાં શૂટઆઉટની ચોથી ઘટના

 

 

અમેરિકામાં ફરી વાર શૂટઆઉટની ઘટના બની છે. ગઈ કાલે ન્યુ જર્સી નજીકની એક સુપરમાર્કેટમાં એક યુવાને આડેધડ ફાયરિંગ કરીને સુપરમાર્કેટના બે કર્મચારીઓની હત્યા કરી હતી અને પછી તેણે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા બે મહિના કરતાં પણ ઓછા સમયમાં શૂટઆઉટની આ ચોથી ઘટનાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. ગોળીબાર કરનાર યુવાન એકે-૪૭ રાઇફલ અને ઑટોમૅટિક પિસ્તોલ સાથે સુપરમાર્કેટમાં ધસી આવ્યો હતો.

 

અમેરિકી પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર કરનાર યુવાન સુપરમાર્કેટનો જ અસંતુષ્ટ કર્મચારી હતો. ન્યુ જર્સીના ઓલ્ડ બ્રિજ સબર્બમાં આવેલા પાથમાર્ક ગ્રોસરી સ્ટોરમાં ઘૂસીને તેણે ગોળીબાર કર્યો હતો. ગોળીબારની ઘટના બાદ ધસી આવેલી પોલીસે મહામહેનતે સુપરમાર્કેટના અન્ય કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. જોકે એ દરમ્યાન ગોળીબાર કરનાર યુવાને પોતાને ગોળીને મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે બની હતી. સુપરમાર્કેટનો ખૂલવાનો સમય સવારે છ વાગ્યાનો હતો. સ્ટોર ખૂલે એ પહેલાં તેની અંદર સ્ટાફ કામ કરી રહ્યો હતો. ગોળીબારને કારણે સ્ટોરની બારીઓના કાચ તૂટી ગયા હતા.   

 

ગનકલ્ચર વકર્યું

 

અમેરિકામાં ગઈ કાલે ન્યુ જર્સીમાં સર્જાયેલો હત્યાકાંડ એ છેલ્લા બે મહિના કરતાં પણ ઓછા સમયમાં શૂટઆઉટની ચોથી ઘટના હતી. હજી એક અઠવાડિયા પહેલાં જ ન્યુ યૉર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પાસેની ઍપરલ કંપનીના અસંતુષ્ટ ડિઝાઇનરે ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. એ પછી તેણે રસ્તા પર જતા લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, બાદમાં પોલીસે તેને ઠાર કર્યો હતો. પાંચમી ઑગસ્ટે અમેરિકાના વિસ્કોન્સિનમાં આવેલા ગુરુદ્વારામાં માઇકલ વેડ પેજ નામના ગનમૅને આડેધડ ફાયરિંગ કરીને સિખ સમુદાયના છ લોકોની હત્યા કરી હતી અને ત્રણને ઈજા પહોંચાડી હતી. ૨૦ જુલાઈએ કોલોરાડો સ્ટેટમાં બૅટમૅન સિરીઝની ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ રાઇઝીસ’ના શો દરમિયાન ફિલ્મના વિલનની અસર હેઠળના એક યુવાને અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૨ લોકોની હત્યા કરી હતી. શૂટઆઉટની આ ઘટનાઓને પગલે અમેરિકામાં વકરેલા ગનકલ્ચર પર નિયંત્રણ મૂકવાની માગણી તેજ બની હતી.