પાકિસ્તાનમાં સુસાઇડ અટૅકમાં પાંચ ચાઇનીઝનાં મૃત્યુ

27 March, 2024 08:41 AM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

ગયા એક અઠવાડિયામાં ચાઇનીઝ લોકો પર આ ત્રીજો હુમલો હતો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં એક ડૅમ પ્રોજેક્ટ માટે જઈ રહેલા ચાઇનીઝ એન્જિનિયરોના કાફલા પર ગઈ કાલે થયેલા સુસાઇડ બૉમ્બ અટૅકમાં પાંચ ચાઇનીઝ સહિત છ જણનાં મૃત્યુ થયાં હતાં. મંગળવારે ચાઇનીઝ એન્જિનિયરો ઇસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર સુસાઇડર બૉમ્બ અટૅક થયો હતો. આ હુમલામાં પાંચ ચાઇનીઝ એન્જિનિયરો અને તેમના પાકિસ્તાની ડ્રાઇવરનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલા માટે કોઈ આતંકવાદી જૂથે જવાબદારી સ્વીકારી નથી. ૨૦૨૧માં પણ આ ડૅમ સાઇટ પાસે બસમાં થયેલા બ્લાસ્ટમાં ૯ ચાઇનીઝ સહિત ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગયા એક અઠવાડિયામાં ચાઇનીઝ લોકો પર આ ત્રીજો હુમલો હતો. આ પહેલાં બલૂચિસ્તાનમાં એક ઍરબેઝ અને મહત્ત્વના પોર્ટ પર હુમલા કરવામાં આવ્યા હતા. બલૂચિસ્તાનનાં વંશીય આતંકવાદી જૂથો આ પ્રદેશમાં આવેલા મિનરલ્સ પર ચીનનો કબજો થાય નહીં એવું ઇચ્છે છે. 

international news pakistan Crime News