બંગલા દેશ માટે બ્લૅક સન્ડે

26 November, 2012 06:09 AM IST  | 

બંગલા દેશ માટે બ્લૅક સન્ડે



ગઈ કાલે બંગલા દેશ માટે બહુ ભારે દિવસ હતો. ગઈ કાલે અહીં બે મોટી દુર્ઘટનાઓ બની હતી. અહીં ગઈ કાલે ઢાકાની બહારના વિસ્તારમાં આવેલી એક ગારર્મેન્ટ ફૅક્ટરીમાં દેશના ઇતિહાસની સૌથી ભીષણ આગ લાગી હતી, જેમાં ૧૨૪ લોકોનાં મૃત્યુ થયાં છે અને હજી ઘણા મૃતદેહોની ઓળખ ન થઈ હોવાથી આ આંકડો વધે એવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અહીં ચિત્તાગૉન્ગમાં નિર્માણ હેઠળનો એક ફ્લાયઓવર તૂટી પડતાં એમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૫૦ કરતાં વધારે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આમ, ગઈ કાલે દેશમાં બનેલી આ બે મોટી દુર્ઘટનાઓમાં કુલ ૧૩૭ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટના વિશે અધિકારીઓએ માહિતી આપી છે કે ‘શનિવારે મોડી રાત્રે ઢાકાથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે આવેલા ઉપનગર અસુલિયા સવરમાં આવેલી છ માળની ગારર્મેન્ટ ફૅક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને પછી ક્રમશ ઉપરના માળ પર ફેલાઈ હતી. આ આગની ઘટનામાં ૧૨૪ જેટલાં મૃત્યુ થયાં હતાં અને બધાં મૃત્યુ દાઝી જવાને કારણે જ થયાં હતાં. મૃતકોની આ સંખ્યામાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ આગ લાગી ત્યારે અનેક લોકોએ બચવા માટે ઉપરના માળેથી નીચે કૂદકો માર્યો હતો. ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો પણ આ આગ લાગવાનાં કારણો હજી જાણી શકાયાં નથી. સામાન્ય રીતે આવી આગ શૉર્ટ સર્કિટની ઘટનાને કારણે જ લાગતી હોય છે. આ સિવાય બનેલી એક અન્ય ઘટનામાં ચિત્તાગૉન્ગમાં નિર્માણાધીન ફ્લોયઓવર તૂટી પડતાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણાને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે પાંચ સભ્યોની પૅનલ બનાવવામાં આવી છે.’

દેશમાં બનેલી આ બે ઘટનાઓના મામલે દેશના પ્રેસિડન્ટ ઝિલ્લુર રહેમાને શોકની લાગણી વ્યક્ત કરી છે અને આ બે અકસ્માતોનો ભોગ બનેલી વ્યક્તિઓને શ્રેષ્ઠ સારવાર આપવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.