ફ્લાઇટ ચૂકી જઈને બચી ગયો દસ જણનો પરિવાર

30 December, 2014 06:04 AM IST  | 

ફ્લાઇટ ચૂકી જઈને બચી ગયો દસ જણનો પરિવાર




ઇન્ડોનેશિયાના દસ સભ્યોના એક પરિવારે ગઈ કાલે જણાવ્યું હતું કે ઍર એશિયાની સિંગાપોર જઈ રહેલી ફ્લાઇટ QZ 8501 પકડવા માટે અમે બહુ મોડાં પડ્યાં હતાં. અમે ચૂકી ગયા હતા એ ફ્લાઇટ ગુમ થઈ ગઈ અને અમે લોકો ચમત્કારિક રીતે બચી ગયા.

૩૬ વર્ષનાં ક્રિસ્ટિયાનાવતી, તેમનો પરિવાર, તેમનાં મમ્મી અને તેમના સૌથી નાના દીકરીના પરિવાર સહિતના કુલ દસ જણ ક્રિસમસની ઉજવણી માટે એ ફ્લાઇટમાં સિંગાપોર જવાનાં હતાં. પુખ્ત વયનાં છ અને ચાર બાળકો સહિતના આ પરિવારે સવારે સાડાસાત વાગ્યાની ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું હતું, પણ ઍર એશિયાએ આ પરિવારને સવારે સાડાપાંચ વાગ્યે રવાના થનારી કમનસીબ ફ્લાઇટ QZ 8501ની ટિકિટ આપી હતી.

સમગ્ર ઘટનાક્રમની વિગત આપતાં ક્રિસ્ટિયાનાવતીએ કહ્યું હતું કે ‘ઍર એશિયાએ ૧૫ અને ૧૬ ડિસેમ્બરે અમને ઈ-મેઇલ અને ફોનકૉલ્સ કર્યા હતા, પણ અમે એનો જવાબ આપી શક્યા નહોતાં એટલે અમે સવારે સાડાસાત વાગ્યે ફ્લાઇટમાં ચેક-ઇન માટે આવ્યાં હતાં. એ વખતે અમને કહેવામાં આવ્યું હતું કે તમારી ફ્લાઇટ સવારે સાડાપાંચ વાગ્યે રીશેડ્યુલ કરવામાં આવી હતી અને એ ફ્લાઇટ રવાના થઈ ચૂકી છે.’

એથી ક્રિસ્ટિયાનાવતીનો પરિવાર ગુસ્સે થયો હતો. આ પરિવારને નવી ટિકિટ્સ ઇશ્યુ કરવામાં આવી રહી હતી એ દરમ્યાન તેમને સાંભળવા મળ્યું કે સાડાપાંચ વાગ્યાની ફ્લાઇટ તો ક્રૅશ થઈ ગઈ છે એટલે ક્રિસ્ટિયાનાવતીના પરિવારે તત્કાળ ટિકિટ્સ કૅન્સલ કરાવી નાખી હતી.