Fact Check: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ જીવે છે, પરિવારે કરી સ્પષ્ટતા

10 June, 2022 09:00 PM IST  |  Lahore/Dubai | Gujarati Mid-day Online Correspondent

પરવેઝ મુશર્રફની હાલત ખૂબ જ ગંભીર છે

ફાઇલ તસવીર

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત ખૂબ જ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ તેમના પરિવારના સભ્યોએ આ માહિતી આપી હતી. સાંજે 5.15 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ કે તેમનું અવસાન થઈ ગયું છે, ત્યારબાદ અનેક પ્રકારના ટ્વીટ આવવા લાગ્યા.

પરવેઝ મુશર્રફના પરિવારજનો વતી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે “તેઓ વેન્ટિલેટર પર નથી. છેલ્લા 3 અઠવાડિયાથી તેમની તબિયત લથડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી છે. તેમના મોટાભાગના અંગો હવે કામ કરતા નથી. હું તમને બધાને વિનંતી કરું છું કે તેમના સાજા થવા માટે પ્રાર્થના કરો.”

જણાવી દઈએ કે જનરલ પરવેઝ મુશર્રફે ઓક્ટોબર 1999માં સૈન્ય બળવો કરીને પાકિસ્તાનની સત્તા પર કબજો કર્યો હતો. મુશર્રફ પર 2007માં બંધારણનું ઉલ્લંઘન કરીને ઈમરજન્સી જાહેર કરવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુશર્રફે દેશમાં કટોકટી જાહેર કરીને બંધારણને સ્થગિત કરી દીધું હતું.

31 માર્ચ, 2014ના રોજ ઈસ્લામાબાદની વિશેષ અદાલતે પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી પ્રમુખ જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા હતા. પાકિસ્તાનના ઈતિહાસમાં તે પહેલા વ્યક્તિ હતા જેમની સામે બંધારણના ઉલ્લંઘનનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 2013ની ચૂંટણીમાં જીત બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સરકારમાં આવી હતી. સરકારમાં આવ્યા બાદ પૂર્વ સૈન્ય પ્રમુખ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ બંધારણના ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

international news pakistan