04 September, 2025 08:48 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) જૉન બોલ્ટન
યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) જૉન બોલ્ટને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ નીતિની આકરી ટીકા કરીને દલીલ કરી હતી કે તેમણે ભારતને રશિયા સાથેના શીત યુદ્ધના જોડાણથી દૂર કરવા અને ચીન દ્વારા ઊભા કરાયેલા વ્યૂહાત્મક પડકારનો સામનો કરવાના દાયકાઓથી ચાલી રહેલા પશ્ચિમી પ્રયાસોને વેરવિખેર કરી નાખ્યા છે.
સોશ્યલ મીડિયામાં શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં બોલ્ટને જણાવ્યું હતું કે ‘ટ્રમ્પના આર્થિક અભિગમે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાના લાંબા સમયથી ચાલતા અમેરિકા અને સાથી દેશોના પ્રયાસોને નબળા પાડ્યા છે. પશ્ચિમે દાયકાઓ સુધી ભારતને સોવિયેટ યુનિયન/રશિયા સાથેના શીત યુદ્ધના જોડાણથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે અને ચીન દ્વારા ઊભા થયેલા ખતરા અંગે ભારતને ચેતવણી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે તેમની વિનાશક ટૅરિફનીતિથી દાયકાઓના પ્રયાસોને ક્ષીણ કરી દીધા છે.’
જૉન બોલ્ટને વધુમાં દલીલ કરી હતી કે ટ્રમ્પની મોટા વ્યૂહાત્મક સંદર્ભમાં રાજદ્વારી પગલાં પર વિચાર કરવાની અનિચ્છાએ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને પૂર્વ તરફ ફરીથી સેટ કરવા માટે એક માર્ગ મોકળો કર્યો છે.