મન્કી પૉક્સને લઈને યુરોપમાં ચિંતા: ડબ્લ્યુએચઓ યોજશે ઇમર્જન્સી મીટિંગ

21 May, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં ફાટી નીકળેલા મન્કી પૉક્સ નામના નવા રોગચાળાના ઝડપી પ્રસાર વિશે ચર્ચા કરવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ નિષ્ણાતોની મીટિંગ યોજવાનો નિર્ણય કર્યો હોવાનું રશિયન મીડિયાએ જણાવ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન (એ.એન.આઇ.) ઃ તાજેતરમાં ફાટી નીકળેલા મન્કી પૉક્સ નામના નવા રોગચાળાના ઝડપી પ્રસાર વિશે ચર્ચા કરવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ નિષ્ણાતોની મીટિંગ યોજવાનો નિર્ણય કર્યો હોવાનું રશિયન મીડિયાએ જણાવ્યું હતું. 
મીટિંગનો એજન્ડા મન્કી પૉક્સના વાઇરસના પ્રસારનો માર્ગ, ગે-બાયસેક્સ્યુઅલ્સમાં તેના પ્રસારનું જોખમ તેમ જ વૅક્સિનની સ્થિતિ હશે એમ ટેલિગ્રાફને ટાંકીને સ્પુટનિક ન્યુઝ એજન્સીએ ગઈ કાલે જણાવ્યું હતું. 
મે મહિનાની શરૂઆતથી જ યુકે, સ્પેન, બૅલ્જિયમ, ઇટલી, ઑસ્ટ્રેલિયા અને કૅનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં મન્કી પૉક્સનો પ્રસાર વધી રહ્યો છે. બ્રિટનની હેલ્થ સિક્યૉરિટી એજન્સીએ જણાવ્યા મુજબ ૭ મેએ નાઇજીરિયાના પ્રવાસેથી પાછા ફરેલા ઇન્ગ્લૅન્ડના એક વ્યક્તિમાં મન્કી પૉક્સનાં લક્ષણોની પુષ્ટિ કરવામાં આવી હતી. 
મન્કી પૉક્સ એ એક દુર્લભ પરંતુ સંભવિત ગંભીર વાઇરલ બીમારી છે જે સામાન્ય રીતે ફ્લૂ જેવી બીમારી અને લસિકા ગાંઠોના સોજાથી શરૂ થાય છે અને ચહેરા અને શરીર પર ઝીણી ફોલ્લીઓ થવા માંડે છે. મોટા ભાગના ચેપ બેથી ચાર અઠવાડિયાં સુધી રહે છે. 
આ વાઇરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી પરંતુ શરીરના પ્રવાહી, મન્કી પૉક્સના ચાંદા, પ્રવાહી અથવા ચાંદા (કપડાં, પથારી વગેરે)થી દૂષિત વસ્તુઓના સંપર્ક દ્વારા અથવા લાંબા સમય સુધી સામસામે રહેવાથી શ્વસન દ્વારા સંક્રમણ થઈ શકે છે. 

world news europe