વિશ્વનાં સૌથી મોંઘાં ઘરોમાં મુકેશ અંબાણીનું ઍન્ટિલિયા બીજા નંબરે

08 November, 2014 05:21 AM IST  | 

વિશ્વનાં સૌથી મોંઘાં ઘરોમાં મુકેશ અંબાણીનું ઍન્ટિલિયા બીજા નંબરે


અમેરિકાની એક વેબસાઇટે વિશ્વમાં સૌથી મોંઘાં ઘરોનું લિસ્ટ તૈયાર કર્યું છે એમાં બ્રિટનની રાણીનો લંડનમાં આવેલો બકિંગહૅમ પૅલેસ પહેલા નંબર પર છે, જ્યારે ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીનું પેડર રોડ પર આવેલું ઍન્ટિલિયા બીજા નંબરે છે.પહેલા નંબરે રહેલો બ્રિટનની રાણી ક્વીન એલિઝાબેથનો ૧૮મી સદીમાં બાંધવામાં આવેલો બકિંગહૅમ પૅલેસ એક અબજ પાઉન્ડ (આશરે ૧૦૦ અબજ રૂપિયા)નો છે. આ પૅલેસ વેચાવાનો નથી અને કોઈ ખરીદવાનું પણ નથી છતાં એની કિંમત આટલી આંકવામાં આવી છે. એમાં ૧૯ સ્ટેટ રૂમ અને બાવન રૉયલ અને ગેસ્ટ રૂમો સહિત કુલ ૭૭૫ રૂમો છે અને સ્ટાફ માટે ૧૮૮ બેડરૂમ, ૯૨ ઑફિસો અને ૭૮ બાથરૂમ છે. એમાં એક સિનેમાહૉલ, ૪૦ એકરનું ગાર્ડન અને સ્વિમિંગ-પૂલ અને પોતાની એક પોસ્ટ-ઑફિસ પણ છે.

૨૦૧૦માં બાંધવામાં આવેલું મુકેશ અંબાણીનું ૨૭ માળનું ઍન્ટિલિયા બીજા નંબરે છે જેની કિંમત ૬૩૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૬૩૦૦ કરોડ રૂપિયા) આંકવામાં આïવી છે. આ બિલ્ડિંગમાં ચાર લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. ‘ફૉબ્ર્સ’ની અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ૩૬મા સ્થાને છે.ફ્રાન્સમાં આવેલો વિલા લિયોપોલ્ડા ત્રીજા નંબરે છે જે ૧૯મી સદીમાં બેલ્જિયન કિંગ લિયોપોલ્ડ-બીજાએ તેની વાઇફ માટે બંધાવ્યો હતો અને એની કિંમત આશરે ૫૦૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.

અમેરિકન બિઝનેસમૅન ઇરા રેનર્ટનું ન્યુ યૉર્ક સ્ટેટમાં આવેલું ફેરફીલ્ડ પૉન્ડ ચોથા નંબરે છે. એક લાખ સ્ક્વેર ફૂટના આ ઘરમાં ૨૯ બેડરૂમ છે અને ૩૦ બાથરૂમ છે. એમાં પોતાનો પાવર પ્લાન્ટ છે અને ત્રણ સ્વિમિંગ-પૂલ અને બોલિંગ ઍલી છે. એમાં ૬૩ એકરનું ગાર્ડન છે.લંડનમાં વસતા મૂળ ભારતીય બિઝનેસમૅન અને સ્ટીલ મૅગ્નેટ લક્ષ્મી મિત્તલનું લંડનમાં આવેલું ઘર પાંચમા નંબરે છે જે બ્રિટનના રૉયલ પરિવારના કેન્સિંગટન પૅલેસની પાસે છે અને એની કિંમત ૧૪૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૧૪૦૦ કરોડ રૂપિયા) છે.

કૅલિફૉર્નિયામાં સૉફ્ટવેરના બિઝનેસમાં અબજપતિ બનેલા અને ઑરેકલ કંપનીના માલિક લૅરી એલિસનની જૅપનીઝ સ્ટાઇલની વુડસાઇડ એસ્ટેટ છઠ્ઠા નંબરે છે જેની કિંમત ૧૨૬ મિલ્યન પાઉન્ડ (આશરે ૧૨૬૦ કરોડ રૂપિયા) છે.અમેરિકાના ન્યુઝપેપર મૅગ્નેટ વિલિયમ હસ્ર્ટના કૅલિફૉર્નિયામાં બેવર્લી હિલ્સમાં આવેલા હસ્ર્ટ કૅસલનો નંબર આ લિસ્ટમાં સાતમો છે. ૧૯૧૯માં બાંધવામાં આવેલા આ ઘરમાં ૫૬ બેડરૂમ, ૧૯ સિટિંગ રૂમ છે અને ૧૨૭ એકરનું ગાર્ડન છે. એની કિંમત ૧૨૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૧૨૦૦ કરોડ રૂપિયા) છે.

અમેરિકામાં મૉન્ટાનામાં ગૉલ્ફ અને સ્કી માટે યલો સ્ટોન ક્લબ બિગ સ્કાય આ લિસ્ટમાં આઠમા નંબરે છે જેની કિંમત ૯૭ મિલ્યન પાઉન્ડ (આશરે ૯૭૦ કરોડ રૂપિયા) છે.ચેલ્સી ફૂટબૉલ ક્લબના માલિક અને રશિયન બિઝનેસમૅન રોમન અબ્રામોવિચનું લંડનમાં સ્ટૅમર્ફોડ બ્રિજ પાસેનું ઘર નવમા નંબરે છે જેની કિંમત ૮૮ મિલ્યન પાઉન્ડ (આશરે ૮૮૦ કરોડ રૂપિયા) છે.યુક્રેનની બિઝનૅસવુમન એલેના ફ્રાન્ચકે લંડનમાં કેન્સિંગટન પૅલેસ પાસે ખરીદેલું ઘર દસમા નંબરે છે. આ ઘરની કિંમત ૮૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૮૦૦ કરોડ રૂપિયા) છે.