ઇલૉન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનું ટાઇટલ ગુમાવવાના આરે

09 December, 2022 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉર્બ્સના રિયલ ટાઇમ બિલ્યનેર્સના લિસ્ટમાં મસ્ક બુધવારે થોડીક વાર માટે બીજા સ્થાને પહોંચી ગયા હતા

ફાઇલ તસવીર

વૉશિંગ્ટન: ઇલૉન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનું ટાઇટલ ગુમાવવાના આરે હોવાનું જણાય છે. ફૉર્બ્સના રિયલ ટાઇમ બિલ્યનેર્સના લિસ્ટમાં મસ્ક બુધવારે થોડીક વાર માટે બીજા સ્થાને પહોંચી ગયા હતા. આ સાથે જ ફ્રેન્ચ લક્ઝરી બ્રૅન્ડ એલવીએમએચના સીઈઓ લુઈ વિત્તોં લક્ઝરી ગુડ્સ અને હેનેસી કૉગનેકના મેકર બર્નાર્ડ આર્નોલ્ટથી ટ‍્વિટર અને ટેસ્લાના સીઈઓ પાછળ રહી ગયા હતા. જોકે હવે ફૉર્બ્સના લિસ્ટ અનુસાર મસ્કની સંપત્તિ ૧૮૪.૯ અબજ ડૉલર (૧૫,૨૨૩ અબજ રૂપિયા) છે, જે આર્નોલ્ટની ૧૮૪.૭ અબજ ડૉલર (૧૫,૨૦૬ અબજ રૂપિયા)ની સંપત્તિથી સહેજ વધુ છે.

‘ફૉર્બ્સ’ના જણાવ્યા અનુસાર આ બન્ને ધનિકોની સંપત્તિ લગભગ સમાન છે. માત્ર ૨૦ કરોડ ડૉલર (૧૬૪૬.૬૨ કરોડ રૂપિયા)નું જ અંતર છે એટલે આગામી સમયમાં ફૉર્બ્સના દુનિયાના સૌથી અમીરોના રેન્કિંગમાં તેઓ સતત આગળપાછળ થતા રહે તો એ આશ્ચર્યજનક નહીં રહે.

મસ્કે તાજેતરમાં ટ્વિટરને ખરીદવા માટે ફન્ડ્સ એકત્ર કરવા માટે ટેસ્લાના ચાર અબજ ડૉલર (૩૨૯.૩૨ અબજ રૂપિયા)ના સ્ટૉક્સ વેચ્યા હતા.

મસ્કની સંપત્તિ વિશેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, કેમ કે તેણે અનેક પ્રાઇવેટ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેમાં રૉકેટ અને ઇન્ટરનેટ કંપની સ્પેસએક્સ, આઉટફિટ કંપની ધ બોરિંગ કંપની તેમ જ માણસોનાં દિમાગમાં કમ્પ્યુટર ચિપ્સ મૂકવાનું કામ કરતી ન્યુરાલિન્ક સામેલ છે.  

international news elon musk