✕

BAPSની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને હટાવવાના મુદ્દે આઇફલ ટાવરના ચીફનું રાજીનામું

30 September, 2026 11:40 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

આઇફલ ટાવરની સંચાલક કંપનીએ વ્યવસ્થાપનમાં ગંભીર ખામી સ્વીકારી, સમગ્ર મામલે જવાબદાર અધિકારીનું રાજીનામું માગી લેવાયું

આઇફલ ટાવર

પૅરિસના વિશ્વપ્રસિદ્ધ આઇફલ ટાવરનું સંચાલન કરતી કંપનીના વડા પૅટ્રિક બ્રાન્કો રુવો આ વર્ષના અંત સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ૭ સપ્ટેમ્બરે હિન્દુ ધાર્મિક સંગઠન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમ્યાન મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવામાં આવી હતી, જેના પગલે ભારે વિવાદ સર્જાયો હતો.
આઇફલ ટાવરનું સંચાલન કરતી કંપની સોસાયટી ડી એક્સપ્લોઇટેશન ડે લા ટૂર આઇફલ (SETE) દ્વારા આ મામલે આંતરિક તપાસ કરવામાં આવી હતી. તપાસના રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓને કારણે મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવવામાં આવી હતી જે બિલકુલ અસ્વીકાર્ય છે.
આ ઘટનાના વિરોધમાં આઇફલ ટાવરના કર્મચારીઓએ હડતાળ પાડી હતી અને આઇકૉનિક લૅન્ડમાર્કને એક દિવસ માટે બંધ કરવાની ફરજ પડી હતી. BAPS દ્વારા પૅરિસમાં એક પરંપરાગત મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે આ મુલાકાત યોજાઈ હતી. પૅરિસના મેયરે પણ મહિલા કર્મચારીઓને હટાવવાની આ ઘટનાની અલગથી તપાસનો આદેશ આપ્યો છે. કર્મચારી યુનિયને આરોપ લગાવ્યો હતો કે મહિલાઓની જગ્યાએ પુરુષોને ગોઠવવાથી મહિલાઓને અપમાનિત મહેસૂસ થયું હતું.

international news world news eiffel tower swaminarayan sampraday paris