ઈજીપ્ત: બ્લાસ્ટમાં ત્રણ પર્યટકોનાં મૃત્યુ, પોલીસે ઠાર માર્યા 40 આતંકીઓ

29 December, 2018 08:20 PM IST  | 

ઈજીપ્ત: બ્લાસ્ટમાં ત્રણ પર્યટકોનાં મૃત્યુ, પોલીસે ઠાર માર્યા 40 આતંકીઓ

હુમલાના જવાબમાંં પોલીસે ઠાર માર્યા 40 આતંકી

ઈજીપ્તમાં પોલીસે આજે 40 આતંકીઓ ઠાર માર્યા છે. દુનિયાના પ્રાચીન સાત અજાયબીઓમાં સામેલ ઈજીપ્તના ગીજા પિરામિડથી માત્ર 4 કિલોમીટર દૂર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો ગઈ કાલે થયો હતો જેમાં 3 પર્યટકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે તેની કાર્યવાહીમાં માત્ર એક દિવસમાં 40 આતંકીઓને ઠાર માર્યા છે. ઈજીપ્તના ગૃહ મંત્રાલયને તેની જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયને માહિતી આપવામાં આવી હતી કે પોલીસની બે અલગ અલગ કાર્યવાહીમાં 30 જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. આ સિવાય 10 જેટલા આતંકીઓ ઉત્તરી સિનાઈમાં કાર્યવાહી દરમિયાન મરાયા હતા. ગઈ કાલે બસ પર થયેલા હુમલામાં 14 વિયતનામ પર્યટક સામેલ હતા જેમા 3 પર્યટકોના મૃત્યું થયા છે.

મંત્રાલય અનુસાર બસમાં સવાર પ્રવાસીઓ પિરામીડમાં થનારા સાઉન્ડ એન્ડ લાઈટ શૉ જોવા જઈ રહ્યાં હતાં. બ્લાસ્ટ માટે વિસ્ફોટક રસ્તાના કિનારે દિવાલ પાસે લગાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ પર્યટકો પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આતંકી હુમલાની ભારતે કરી નિંદા

પ્રવાસીઓના બસ પર થયેલા હુમલાની અને આતંકીઓની કાયરતાપૂર્ણ ઘટનાની ભારતે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત આતંકી સામેની આ લડાઈમાં ઈજીપ્ત સાથે છે. આ સાથે હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રતિ સંવેદના દાખવી છે.