અમેરિકામાં આજે બ્લૅક ફ્રાઇડેના બહિષ્કારનું સેલિબ્રિટીઝનું એલાન

28 November, 2014 05:14 AM IST  | 

અમેરિકામાં આજે બ્લૅક ફ્રાઇડેના બહિષ્કારનું સેલિબ્રિટીઝનું એલાન



અમેરિકાના મિઝોરી રાજ્યના સેન્ટ લુઇસના એક ઉપનગર ફગ્યુર્સનમાં બીજી ઑગસ્ટે એક અશ્વેત ટીનેજરને શૂટ કરનારા શ્વેત પોલીસ-અધિકારી સામે કાયદા મુજબનાં પગલાં નહીં લેવાના ગ્રૅન્ડ જ્યુરીના ફેંસલાના વિરોધમાં હવે અમેરિકન સેલિબ્રિટીઝ પણ મેદાને પડી છે. આજે અમેરિકામાં બ્લૅક ફ્રાઇડેના બહિષ્કારનું એલાન આપવામાં આવ્યું છે.

અમેરિકામાં પોલીસની બર્બરતા અને માનવાધિકારના ઉલ્લંઘનના વિરોધમાં આજના દિવસે એક દિવસ માટે વ્યક્તિગત ખર્ચ નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું છે. એક અંદાજ અનુસાર અમેરિકામાં વસતા ૪.૩ કરોડ અશ્વેત નાગરિકો ૨૦૧૫ સુધીમાં ૧૧૦૦ અબજ ડૉલરનો ખર્ચ કરવાના છે. 

હિપ હૉપ સ્ટાર રસેલ સિમોન્સ સહિતની અનેક સેલિબ્રિટીઝે નૉટ વન ટાઇમ અને બ્લૅકઆઉટ બ્લૅક ફ્રાઇડે ઝુંબેશને ટ્વિટર પર ટેકો જાહેર કર્યો છે. અભિનેત્રી કૅટ ગ્રેહામે ટ્વીટ કર્યું હતું કે આપણી પાસે દેશ બદલવાની તાકાત છે. એટલે બ્લૅકઆઉટ ફ્રાઇડે અને યુનાઇટેડ બ્લૅકઆઉટને ટેકો આપો.

ટીવી-સ્ટાર જેસી વિલિયમ્સ

અને વિખ્યાત પત્રકાર સોલેડાડ ઓબ્રાયને પણ આ ઝુંબેશને ટેકો જાહેર કર્યો છે. જેસી વિલિયમ્સે પોલીસની બર્બરતાની વિડિયો-લિન્ક સાથે એવું ટ્વીટ કર્યું હતું કે ‘ન્યાય નહીં તો કોઈને લાભ પણ નહીં. કૉર્પોરેટ્સ અને સરકાર માત્ર ડૉલર્સની વાત કરે છે. એટલે એમની સાથે વાત ન કરો.’

શું છે આ બ્લૅક ફ્રાઇડે?

અમેરિકામાં દર વર્ષે બ્લૅક ફ્રાઇડેનું આયોજન થાય છે. ગુરુવારને થૅન્ક્સગિવિંગ ડેની રજા પછી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે લોકોને ખરીદીમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે લોકો જંગી પ્રમાણમાં ખરીદી કરે છે.