ઍપલનું ૧૯૭૬નું કમ્પ્યુટર સાડાપાંચ કરોડમાં વેચાયું

26 October, 2014 05:58 AM IST  | 

ઍપલનું ૧૯૭૬નું કમ્પ્યુટર સાડાપાંચ કરોડમાં વેચાયું



૧૯૭૬માં ઍપલ વનના ૫૦ કમ્પ્યુટર બનાવવામાં આવ્યાં હતાં અને એમાંથી ચાલુ સ્થિતિમાં રહેલા એકમાત્ર કમ્પ્યુટરની હમણાં જ હરાજી કરવામાં આવી હતી. આ કમ્પ્યુટરના ૧ કરોડ ૮૩ લાખથી ૩ કરોડ જેટલા રૂપિયા ઊપજશે એવી કંપનીને આશા હતી, પરંતુ મિશિગનસ્થિત હેન્રી ફોર્ડ સંસ્થાએ ખૂબ જ ઊંચી કિંમત ચૂકવીને આ કમ્પ્યુટર ખરીદી લીધું હતું. હેન્રી ફોર્ડ સંસ્થા આ કમ્પ્યુટરને પોતાના સંગ્રહાલયમાં રાખવાની છે. ઍપલ ફક્ત સંશોધન નહોતું, આ શોધે ડિજિટલ ક્રાન્તિનો પાયો નાખ્યો હતો એટલે કમ્પ્યુટર ખરીદ્યું હોવાનું સંસ્થાનું કહેવું હતું.

ઇલેક્ટ્રૉનિક્સ રીટેલર બાઇટ શૉપના માલિક પૉલ ટ્રેલે ઍપલને શરૂઆતમાં ૫૦ કમ્પ્યુટરનો ઑર્ડર આપ્યો હતો અને પૉલે આ કમ્પ્યુટર ૪૧ હજાર રૂપિયાના ભાવે વેચ્યા હતા. પ્રથમ સફળ પ્રયોગ પછી સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વૉઝનિઍકે બીજાં ૧૫૦ કમ્પ્યુટર બનાવીને પોતાના મિત્રો અને અન્ય દુકાનદારોને વેચ્યાં હતાં. આ પહેલાં પણ એક હરાજીમાં ઍપલના એક ઍપલ વન કમ્પ્યુટરના બે કરોડ ૩૩ લાખ અને બીજાના પોણાચાર કરોડ રૂપિયા ઊપજ્યા હતા.

જ્યારે ઍપલની સ્થાપના થઈ હતી ત્યારે ટેક્નૉલૉજી લોકોના હાથમાં રમશે એવો કોઈને ખ્યાલ પણ નહોતો. એ વખતે ઍપલને પોતાનું નામ કરવા સંઘર્ષ કરવો પડ્યો હતો જ્યારે આજે ઍપલની પ્રોડક્ટ્સનો આખા જગતમાં ક્રેઝ છે. સ્ટોર્સની બહાર ઍપલની પ્રોડક્ટ્સ માટે લાંબી-લાંબી લાઇનો લાગે છે.