Dubai Rains: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, ઍરપોર્ટ-મેટ્રો સ્ટેશન સહિત ઘરો પાણી-પાણી

17 April, 2024 01:44 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની ગલીઓ, ઘરો અને મોલમાં પાણી (Dubai Rains) ભરાઈ ગયા હતા

તસવીર: પીટીઆઈ

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની ગલીઓ, ઘરો અને મોલમાં પાણી (Dubai Rains) ભરાઈ ગયા હતા. તેમ જ આકાશમાંથી સતત ગાજવીજ અને વીજળીના ચમકારાથી સ્થાનિક લોકો પરેશાન થયા હતા. સોમવારે મોડી રાતથી મંગળવાર સવાર સુધી દેશમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની ચેતવણી જાહેર કરી છે.

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે અને લોકોને `અત્યંત સાવધ` રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અસાધારણ તીવ્રતાની ખતરનાક હવામાન (Dubai Rains) ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી આ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોનાં મોત થયાં છે.

ખલીજ ટાઈમ્સ અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને આગામી 48 કલાકમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બુધવાર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (Dubai Rains)ના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું હતું કે, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ કરા પડવાની પણ સંભાવના છે.” લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર આવતા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન ઍરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. ઍરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગંભીર વાવાઝોડાને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. જોકે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે રિકવરી મોડમાં છે.”

ઉપરાંત, દેશના હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી, અલ ઈલ, ફજેરાહ, શારજાહ અને રાસ અલ ખાઈમાહમાં મધ્યમથી ભારે વરસાદની જાણ કરી છે. દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. એક મેટ્રો સ્ટેશન ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયું હતું. તેમ જ દુબઈથી અબુધાબી, દુબઈથી શારજાહ અને દુબઈથી અજમાનની બસ સેવા બંધ કરવામાં આવી હતી. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને અમીરાતના મોલમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

વરસાદના કારણે દુબઈ અને શારજાહની મસ્જિદોને ઘરે જ નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન, અજમાન અધિકારીઓએ લોકોને તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી છે. અધિકારીઓએ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર જવા જણાવ્યું છે.

 

dubai india international news