અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇનનો વિડિયો પ્રસારિત

11 November, 2020 10:27 AM IST  |  Mumbai | Agency

અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇનનો વિડિયો પ્રસારિત

અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિર

અબુધાબી ખાતે બાંધવામાં આવનારા પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇનની પ્રાથમિક તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના કેવળ પથ્થરના ભવ્ય મંદિરની પરંપરાગત બાંધણીમાં ઉમદા નકશીકામ પણ રહેશે. મંદિરની દીવાલો પરના નકશીકામમાં પ્રાચીન ધર્મગ્રંથો અને રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોના પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નકશીકામમાં ભારતની પ્રાચીન કથાઓ ઉપરાંત અખાતના દેશોમાં લોકપ્રિય ડિઝાઇનોનો પણ સમાવેશ છે.

મંદિર બાંધવામાં પથ્થર ઉપરાંત ફ્લાય એશ કૉન્ક્રીટનો પણ વપરાશ કરવામાં આવશે. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં શિલારોપણ વિધિ બાદ ડિસેમ્બર મહિનામાં એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
  
વૈશ્વિક ભાઈચારાના અધ્યાત્મિક મથક સમાન આ સાંસ્કૃતિક સંકુલના ફાઇનલ માસ્ટર પ્લાનના વિડિયોમાં મંદિરની બરાબર સામે ઍમ્ફી થિયેટર છે. અબુધાબીના અબુ મુરેખા વિસ્તારમાં બંધાતા ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં  લાઇબ્રેરી, ક્લાસરૂમ, મજલિસ અને કમ્યુનિટી સેન્ટર રહેશે. મંદિરના પ્રવેશદ્વારનાં પગથિયાં સામે જળધોધ છે. વિડિયોમાં મંદિરના મુખ્ય પરિસરની ફરતે નાની-નાની તલાવડીઓ રહેશે.

dubai abu dhabi international news