ડૂમ્સ ડેના થયા ડબ્બા ગૂલ

22 December, 2012 08:45 AM IST  | 

ડૂમ્સ ડેના થયા ડબ્બા ગૂલ



ડૂમ્સ-ડેના ડબ્બા ગુલ : ફ્રાન્સના બ્યુગારાશ ગામમાં ચિત્રવિચિત્ર લુકમાં ઊમટેલા લોકો. બૅકગ્રાઉન્ડમાં પીક દ બ્યુગારાશ પર્વત દેખાય છે જેના પર એલિયન્સ આવશે એવી આગાહી હતી. તસવીર : એએફપી



હજારો વર્ષ પહેલાં લૅટિન અમેરિકામાં પાંગરેલી મય સંસ્કૃતિનું ૫૦૦૦ કરતાં વધુ વર્ષ જૂના કૅલેન્ડરના ગઈ કાલે આવનાર અંત સાથે જ પૃથ્વી પર પ્રલય આવશે એવી આગાહી અફવા પુરવાર થઈ હતી. પૃથ્વીના અંત જેવું કશું જ થવાનું નથી એવી વિજ્ઞાનીઓની ખાતરી છતાં પણ અનેક લોકો તેને સિરિયસલી લઈ રહ્યા હતા અને આવી જ અફવાના ભાગરૂપ કાલે હજારો લોકો પ્રલયથી બચવા ફ્રાન્સના બ્યુગારાશ નામના ગામમાં પહોંચી ગયા હતા. પ્રલયના દિવસે આ ગામમાં આવેલા પર્વત પર પરગ્રહવાસીઓનું યાન ઊતરશે અને તે જીવ બચાવવા માગતા તમામ લોકોને પોતાની સાથે લઈ જશે એવી અફવાને કારણે હજારો લોકો ગામમાં પહોંચી ગયા હતા, પણ પરગ્રહવાસીઓ જેવું કોઈ જ પર્વત પર આવ્યું ન હતું. જોકે કાલે દુનિયાભરમાં ટ્વિટર, ફેસબુક પર પૃથ્વીના અંતને લઈને જૉક અને રમૂજી કમેન્ટ્સનો મારો ચાલુ રહ્યો હતો.

ચીનમાં અનેકની ધરપકડ


ચીનમાં કાલે એટલે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત આવશે એવી અફવા ફેલાવનારા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચીનના હુબઇ પ્રાંતમાં પોલીસે ‘ઑલમાઇટી ગૉડ’ નામના ગ્રુપના ૪૨ સભ્યોને જેલમાં મોકલી દીધા હતા, આ તમામ લોકો શહેરમાં લાઉડ સ્પીકર ગોઠવીને આજે પ્રલય થશે એમ જણાવી લોકોને ડરાવી રહ્યા હતા. ચીનની પોલીસે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં આવી અફવા ફેલાવતા ૧૦૦૦થી વધારે લોકોની ધરપકડ કરી હતી.

અમેરિકામાં સ્કૂલો બંધ રહી


પ્રલયની અફવાને કારણે અમેરિકામાં કાલે અનેક સ્કૂલો બંધ રહી હતી તો હજારો પેરન્ટ્સે પોતાનાં બાળકોને ઘરમાં જ રાખ્યાં હતાં. કનેક્ટિકટ સ્ટેટની સ્કૂલમાં હમણાં જ શૂટઆઉટની ઘટના બાદ કાલે પણ આવી કોઈ દુર્ઘટના સરજાઈ શકે એવી શક્યતાને કારણે મિશિગન સ્ટેટમાં મોટા ભાગની સ્કૂલો બંધ રહી હતી. મિશિગનના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી ૭૫ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી અને ૭૫,૦૦૦ જેટલાં બાળકોને ઘરે જ રહેવાની સૂચના અપાઈ હતી.

મેક્સિકોમાં સેલિબ્રેશન


હજારો વર્ષ પહેલાં મય સંસ્કૃતિ જ્યાં પાંગરી હતી એ લૅટિન અમેરિકાના મેક્સિકોમાં કાલે ઠેર-ઠેર સેલિબ્રેશન થયું હતું. હજારો લોકોએ મય સભ્યતા જેવો લુક ધારણ કરીને રસ્તા પર આવ્યા હતા. અનેક જગ્યાએ મય સંસ્કૃતિના કૅલેન્ડરના અંત તથા નવા વર્ષના આગમનને લઈને કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને મય લોકોના સમયનું સૌથી મોટું શહેર જ્યાં આવેલું હતું એ શીચેન ઇત્ઝા નામના સ્થળે મોટા પાયે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે કાલે માત્ર મય સંસ્કૃતિના ૫૨૦૦ વર્ષના જૂના કૅલેન્ડરનો છેલ્લો દિવસ હતો અને ૨૨ ડિસેમ્બર એટલે કે આજથી નવા કૅલેન્ડરનો પ્રારંભ થયો છે.