ડોનલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણયઃ કહી દીધું હવે આ ૧૨ દેશોના લોકો માટે અમેરિકામાં `નો એન્ટ્રી`

06 June, 2025 06:55 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Donald Trump: યુએસ રાષ્ટ્રપતિએ ૧૨ દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો અને ૭ દેશો પર કડક કાર્યવાહી; સુરક્ષા કારણોસર આ નિર્ણય લીધો છે; ટ્રમ્પનો આ નિર્ણય સોમવારે બપોરે ૯ જુનાના રોજ ૧૨ વાગ્યાથી લાગુ કરવામાં આવશે

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકા (United States Of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વધુ એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે બુધવારે ઈરાન (Iran), અફઘાનિસ્તાન (Afghanistan) સહિત વિશ્વના ૧૨ દેશોના નાગરિકોન અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, સાત અન્ય દેશો પર પણ કડક મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેમણે બુધવારે આ જાહેરાત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ તાજેતરમાં આ સંબંધિત એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ અને અન્ય ખતરાથી રક્ષણ માટે આ પગલું ખૂબ જ જરૂરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જે દેશોના નાગરિકો પર આ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં અફઘાનિસ્તાન (Afghanistan), મ્યાનમાર (Myanmar), ચાડ (Chad), કોંગો (Congo), ઇક્વેટોરિયલ ગિની (Equatorial Guinea), એરિટ્રિયા (Eritrea), હૈતી (Haiti), ઈરાન (Iran), લિબિયા (Libya), સોમાલિયા (Somalia), સુદાન (Sudan) અને યમન (Yemen)નો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું છે કે આ દેશો ઉપરાંત, સાત અન્ય દેશો, બુરુન્ડી (Burundi), ક્યુબા (Cuba), લાઓસ (Laos), સીએરા લિયોન (Sierra Leone), ટોગો (Togo), તુર્કમેનિસ્તાન (Turkmenistan) અને વેનેઝુએલા (Venezuela) જેવા દેશોના લોકોના પ્રવેશ પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ ૯ જૂન, ૨૦૨૫ના રોજ મધ્યરાત્રિથી અમલમાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તારીખ પહેલા જારી કરાયેલા વિઝા રદ કરવામાં આવશે નહીં. ટ્રમ્પે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, ‘આ દેશોની યાદીમાં વધુ નામો ઉમેરી શકાય છે.’ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ‘અમે એવા લોકોને અમારા દેશમાં પ્રવેશવા દઈશું નહીં જે અમને નુકસાન પહોંચાડવા માંગે છે.’

ટ્રમ્પે કહ્યું કે, જે દેશો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે આતંકવાદીઓને આશ્રય આપે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ દેશો વિઝા સુરક્ષા પર સહયોગ કરવામાં અને તેમના નાગરિકોની ઓળખ ચકાસવામાં પણ નિષ્ફળ રહ્યા છે. તેણે ઉમેર્યું કે, આ દેશોના નાગરિકોનો ગુનાહિત ઇતિહાસનો રેકોર્ડ છે અને તેઓ વિઝા સમયગાળા કરતાં વધુ સમય અમેરિકામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ કોલોરાડો (Colorado)માં થયેલા તાજેતરના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.

તમને જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ આવા પગલાં લીધા છે. તેમના પહેલા કાર્યકાળમાં, તેમણે સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના મુસાફરો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તે સમય દરમિયાન ટ્રમ્પે ઈરાન, સીરિયા, ઇરાક, સુદાન, લિબિયા, સોમાલિયા અને યમન પર આ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, ટ્રમ્પ પછી રાષ્ટ્રપતિ બનેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden)એ ૨૦૨૧માં આ પ્રતિબંધો હટાવી લીધા હતા. બિડેને આ નિર્ણયને અમેરિકન મૂલ્યો પર કલંક પણ ગણાવ્યો હતો.

united states of america donald trump afghanistan myanmar iran libya somalia yemen cuba venezuela international news news