21 February, 2026 07:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
૨૦૨૫ની બીજી એપ્રિલે વાઇટ હાઉસમાં દુનિયાભરના દેશો પર એકસાથે ટૅરિફ લાદી
મારી પાસે પ્લાન B છેઃડોનલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસમાં રાજ્યના ગવર્નરો સાથેની બ્રેકફાસ્ટ મીટિંગમાં વ્યસ્ત હતા. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અપમાનજનક ગણાવ્યો હતો. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ તેમની ટૅરિફને ગેરકાનૂની ગણશે તો તેમની પાસે બૅક-અપ પ્લાન છે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનલ્ડ ટ્રમ્પ તરફથી દુનિયાભરના દેશો પર લગાવવામાં આવેલી ટૅરિફને ગઈ કાલે ગેરકાનૂની ઠરાવી હતી. ટૅરિફને કારણે પ્રભાવિત કારોબારીઓ અને અમેરિકાનાં ૧૨ રાજ્યોએ ટ્રમ્પની ટૅરિફને કોર્ટમાં પડકાર આપ્યો હતો. ગઈ કાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ગ્લોબલ ટૅરિફના વિરોધમાં નિર્ણય સંભળાવ્યો હતો જેને નૅશનલ ઇમર્જન્સી માટે બનાવવામાં આવેલા એક ફેડરલ કાયદા અંતર્ગત લાગુ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે મોટી ટ્રેડ-ડીલના ઉપાયોને યોગ્ય ઠેરવવા માટે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ગેરકાનૂની છે.
અમેરિકાના સંવિધાન મુજબ ટૅરિફ લગાવવાનો અધિકાર કૉન્ગ્રેસને છે. જોકે પહેલાં પણ રાષ્ટ્રપતિઓએ ૧૯૭૭ના આ કાયદાનો ઉપયોગ કર્યો છે, પરંતુ મોટા ભાગે આ અધિકારનો ઉપયોગ પ્રતિબંધ લગાવવા માટે થયો છે. ટ્રમ્પ પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે ઇમર્જન્સી પાવર્સનો યુઝ મોટા પાયે ઇમ્પોર્ટ પર ટૅક્સ લગાવવા માટે કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પને ઇમર્જન્સી પાવર દ્વારા ટૅરિફ લગાવવાનો અધિકાર નથી. આને કારણે હવે ભારત પર લાગેલી ૧૮ ટકા રેસિપ્રોકલ ટૅરિફ પણ હવે ગેરકાનૂની ઘોષિત થઈ ગઈ છે.
ટ્રમ્પે દલીલ કરી હતી કે લગાતાર વેપારમાં થતું નુકસાન એ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતા પર મોટો ખતરો છે. ૨૦૨૫ના એપ્રિલમાં વેપારમાં ખોટને નૅશનલ ઇમર્જન્સી ગણાવીને લગભગ દરેક દેશ પર ભારે ઇમ્પોર્ટ ટૅરિફની જાહેરાત કરી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટને હલબલાવી નાખતો આ ચુકાદો અમેરિકાની સુપ્રીમ કોર્ટના ૯ જજોની બેન્ચ દ્વારા ૬-૩ની બહુમતીથી લેવાયો છે. કોર્ટે કહ્યું હતું કે સંવિધાન અનુસાર ટૅક્સ અને ટૅરિફ લગાવવાનો અધિકાર માત્ર કૉન્ગ્રેસ (એટલે કે સંસદ) પાસે જ છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. એટલે ટ્રમ્પે જો ટૅરિફ લગાવવી હોય તો તેમણે સંસદમાં એ પાસ કરાવવાની જરૂર હતી.
કોર્ટના આદેશથી ટ્રમ્પે લગાવેલી તમામ ટૅરિફ હટી નથી જવાની. સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લગાવેલી ટૅરિફ અલગ કાયદા અંતર્ગત હોવાથી એ હજી પણ લાગુ રહેશે. જોકે બે મોટી કૅટેગરીની ટૅરિફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક છે રેસિપ્રોકલ ટૅરિફ જે ટ્રમ્પે અલગ-અલગ દેશો પર અલગ-અલગ પર્સન્ટેજમાં લગાવેલી. બીજી કૅટેગરી ૨૫ ટકા ટૅરિફની છે જે ટ્રમ્પે કૅનેડા, ચીન અને મૅક્સિકોથી આવનારા ચોક્કસ સામાન પર લગાવી હતી.
અમેરિકામાં જ ટૅરિફ વિરુદ્ધ ખુલ્લેઆમ ચળવળ કરતી ‘વી પે ધ ટૅરિફ્સ’ નામની સંસ્થાએ તો આ ચુકાદો આવતાં જ સરકારને એક પત્ર લખીને સહીઝુંબેશ શરૂ કરી દીધી છે જેમાં ફુલ, ફાસ્ટ અને ઑટોમેટિક રીફન્ડની ડિમાન્ડ કરી છે. ગ્રુપના ડિરેક્ટર ડૅન ઍન્થનીએ કહ્યું હતું કે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમેરિકાના નાના વેપારીઓ માટે ખૂબ મોટો વિજય છે, જેઓ આ ટૅરિફના બોજ તળે નાહકના પિસાતા આવ્યા છે.