ભારે ઠંડીને લીધે પુતિન એક અઠવાડિયા માટે યુક્રેન પર હુમલા બંધ કરશે : ટ્રમ્પની જાહેરાત

31 January, 2026 08:43 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુક્રેનિયનો એનાથી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે

વાઇટ હાઉસમાં પુતિન સાથેનો ટ્રમ્પનો ફોટો

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધમાં એક અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે ભારે ઠંડીને કારણે મેં વ્યક્તિગત રીતે પ્રેસિડન્ટ પુતિનને એક અઠવાડિયા માટે કીવ અને અન્ય શહેરો પર ગોળીબાર ન કરવા કહ્યું હતું અને આમ કરવા માટે તેઓ સંમત થયા છે. યુક્રેનિયનો એનાથી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે.

અમેરિકન સરકારના શટડાઉન વિશે ચર્ચા કરવા યોજાયેલી કૅબિનેટ બેઠક દરમ્યાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધ અને ગાઝા યુદ્ધવિરામ વિશે અપડેટ્સ આપ્યા હતા. ટ્રમ્પના મતે યુક્રેનમાં ભારે ઠંડીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ટ્રમ્પે વાઇટ હાઉસમાં પુતિન સાથેનો ફોટો લગાવ્યો

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથેનો પોતાનો ફોટો લગાવ્યો છે. ગયા વર્ષે અલાસ્કામાં બન્ને નેતાઓની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલી આ તસવીરમાં તેઓ બાજુબાજુમાં ચાલતા દેખાય છે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે આ ફોટો પુતિન દ્વારા તેમને મોકલવામાં આવ્યો છે.

આ ફોટો વાઇટ હાઉસની રિનોવેટેડ પામ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે જે વેસ્ટ વિંગને એક્ઝિક્યુટિવ નિવાસસ્થાન સાથે જોડતો વેઇટિંગ એરિયા છે. એ ટ્રમ્પ અને તેમની પૌત્રીના પરિવારના ફોટોની ઉપર છે. પામ રૂમ વેસ્ટ વિંગની મુલાકાત લેતા અધિકારીઓ અને પત્રકારો માટે મુખ્ય લૉબી તરીકે સેવા આપે છે. 

donald trump united states of america russia vladimir putin ukraine Weather Update international news world news