ફેસબુક પર હું નંબર-૧ અને વડા પ્રધાન મોદી નંબર-ટૂ: ટ્રમ્પ

16 February, 2020 08:12 AM IST  |  Washington

ફેસબુક પર હું નંબર-૧ અને વડા પ્રધાન મોદી નંબર-ટૂ: ટ્રમ્પ

મોદી અને ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસને લઈ કેટલા ઉત્સાહિત છે. એક ટ્‌વીટ પરથી તેનો અંદાજો લગાવી શકો છો. જ્યારે તેમને ખબર પડી કે ફેસબુક પર લોકપ્રિયતાના મામલામાં તેઓ પોતાને નંબર વન જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નંબર બે છે તો તેને પણ પોતાની યાત્રા સાથે જોડી દીધું. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના ભારત પ્રવાસને લઈ ખૂબ ઉત્સુક છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્‌વીટ કરી કે મને લાગે છે કે આ ખૂબ જ સમ્માનની વાત છે. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર ૧ છે. નંબર ૨ ઉપર ભારતના વડા પ્રધાન મોદી છે. જોકે હું બે સપ્તાહમાં ભારત જઈ રહ્યો છું. હું આ યાત્રાને લઈ ઉત્સુક છું.

આની પહેલાં પીએમ મોદીએ ટ્‌વીટ કરીને ટ્રમ્પની ભારત મુલાકાતનું સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ૨૪-૨૫ ફેબ્રુઆરીની ભારત યાત્રા પર આવવાને લઈ ખૂબ ખુશ છું. અમારા માનનીય અતિથિઓનું ભવ્ય સ્વાગત કરાશે.

તેમણે લખ્યું કે ભારત અને અમેરિકાના મજબૂત સંબંધ ન માત્ર અમારા નાગરિકો માટે પરંતુ આખા વિશ્વ માટે શ્રેષ્ઠ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રા ખાસ છે તથા આ ભારત, અમેરિકા મૈત્રીને વધુ મજબૂત કરવાની દિશામાં અગત્યનું પગલું હશે.

ટ્રમ્પનો દાવો ખોટો

ટ્રમ્પે આજે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેઓ ફેસબુકમાં નંબર ૧ની પોઝિશન પર છે અને આ તેમને ફેસબુકના ફાઉન્ડર ઝકરબર્ગે કહ્યું છે, પરંતુ હકીકતમાં આ દાવો ખોટો છે. ફેસબુક ફોલોઅર્સમાં ભારતના વડા પ્રધાન મોદી ડોનલ્ડ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ છે. વડા પ્રધાન મોદીના ફેસબુક ફોલોઅર્સ ૪૪,૩૭૮,૬૨૫ છે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પના ફેસબુક ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદીની સરખામણીએ અડધી જ છે. ડોનલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સ અત્યારે ૨૭,૫૩૭,૧૭૭ છે.

donald trump narendra modi international news united states of america washington