07 August, 2025 08:05 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટૅરિફ લાદવાના આદેશ પર સહી કરવાની સાથે ટૅરિફનો દર ડબલ કરી દેવાની જાહેરાત કરી હતી. આજથી એટલે કે ૭ ઑગસ્ટથી અમેરિકા નિકાસ થતી ભારતની ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ લાદવાની શરૂઆત થઈ ગઈ છે. રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ આગળ ધરીને ડોનલ્ડ ટ્રમ્પે ભારત પરના ટૅરિફના આંકડાને ડબલ એટલે કે ૫૦ ટકા કરી દીધો છે, જે ૨૭ ઑગસ્ટથી અમલમાં આવશે.
અત્યાર સુધીની સૌથી મોટી ટૅરિફ
આ અમેરિકા દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલો સૌથી મોટો ટૅરિફનો આંકડો છે. અમેરિકાના કટ્ટર હરીફ અને વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન પર પણ અમેરિકાએ હજી સુધી ૩૦ ટકા જ ટૅરિફ જાહેર કરી છે. ભારત અને બ્રાઝિલ પર સૌથી વધુ ૫૦, પછી સ્વિટ્ઝરલૅન્ડ પર ૩૯, કૅનેડા અને ઇરાક પર ૩૫ અને ચીન પર ૩૦ ટકા ટૅરિફની જાહેરાત થઈ ચૂકી છે.
ભારતે યુરોપે અને અમેરિકાએ રશિયા સાથે જે વેપાર-સંબંધો ચાલુ રાખ્યા છે એની વિગતો જાહેર કરીને એમનાં બેવડાં ધોરણોને પડકાર્યાં હતાં. ટ્રમ્પે સોમવારે એવો આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયાના વૉર-મશીનમાં ઈંધણની જેમ કામ કરી રહ્યું છે એટલે એના પર દંડ લગાડવામાં આવશે.
આજથી ભારતની ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ અમલમાં આવી ગયો છે. ૫૦ ટકા ટૅરિફ ૨૭ ઑગસ્ટથી અમલમાં આવશે, એ પહેલાં શિપ કરી દેવામાં આવેલી ચીજવસ્તુઓ પર લાગુ નહીં પડે. ટ્રમ્પના આદેશમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ટૅરિફ અન્ય તમામ ટૅક્સ કે સેસ ઉપરાંત લગાડવામાં આવશે. જોકે અમુક ચીજવસ્તુઓ જે છૂટને પાત્ર હશે એને છૂટ મળતી રહેશે.
રશિયા-અમેરિકા-ભારત સંવાદ
ગઈ કાલે અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ત્રણ કલાક લાંબી બેઠક થઈ હતી. ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ પણ રશિયા પહોંચ્યા હતા અને તેમણે પણ પુતિન સાથે મુલાકાત કરી હતી.
પત્રકારે પૂછ્યું : અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરે છે એનું શું?
ડોનલ્ડ ટ્રમ્પ : મને આના વિશે કશું ખબર નથી, તપાસ કરીશું
ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં એક પત્રકારે ડોનલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે રશિયા સાથે વેપાર અટકાવવા ભારત પર દબાણ કરવામાં આવી રહ્યું છે, પણ અમેરિકા રશિયા પાસેથી જે ખાતર અને કેમિકલ્સ ખરીદે છે એનું શું?
જોકે ડોનલ્ડ ટ્રમ્પે એવો જવાબ આપીને વાત ટાળી દીધી હતી કે આ વિશે તેમને કંઈ જ જાણકારી નથી અને તેમણે ચેક કરવું પડશે.
ભારત એના રાષ્ટ્રહિત માટે જે કરવું પડશે એ કરવા પ્રતિબદ્ધ
ટ્રમ્પની જાહેરાત બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત હંમેશાં એનું રાષ્ટ્રહિત જાળવવા માટે બજારનાં સમીકરણોને ધ્યાનમાં લઈને નિર્ણય કરે છે જે અન્ય દેશો પણ કરી રહ્યા છે. એ જ કરવા માટે અમેરિકા દ્વારા ભારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમેરિકાની આ પ્રતિક્રિયા અયોગ્ય અને ગેરવાજબી છે. ભારત એના ૧૪૦ કરોડ દેશવાસીઓની ઊર્જાસુરક્ષા માટે જે પગલાં ભરવાં પડશે એ ભરવાં મક્કમ છે.
ભારતને ટાર્ગેટ કરવું તદ્દન અયોગ્ય : વિદેશ મંત્રાલય
રશિયા સાથે વેપાર કરવા માટે ભારતની ટીકા કરતા દેશો પોતે રશિયા સાથે વેપાર કરે છે. એકલા ભારતને ટાર્ગેટ કરવું તદ્દન અયોગ્ય છે. યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ૨૦૨૪માં ૬૭.૫ બિલ્યન યુરોનો વેપાર કર્યો હતો. એમાં એલપીજીની ઇમ્પોર્ટ ૧૬.૫ મિલ્યન ટન હતી. ખુદ અમેરિકાએ પોતાના ન્યુક્લિયર પાવર સેક્ટર માટે રશિયા પાસેથી યુરેનિયમ ખરીદ્યું હતું. અમેરિકાએ પેલેડિયમ ઉપરાંત ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ પણ રશિયા પાસેથી ખરીદ્યાં હતાં. આવામાં ભારતની રશિયા સાથે વેપાર માટે ટીકા કરવી એ બેવડાં ધોરણો કહેવાય અને ખાસ કરીને જ્યારે વૈશ્વિક તેલબજારની સ્થિરતા માટે અમેરિકાએ પોતે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.