ટ્રમ્પે ટેક-લીડર્સને ઘરે બોલાવીને અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઑન-કૅમેરા ઉઘરાણી કરી

06 September, 2025 10:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રાષ્ટ્રપતિએ મોટા ટેક્નોક્રેટ્સને અમેરિકા ફર્સ્ટની નીતિ પાળવા સ્પષ્ટ સંદેશ આપી દીધો, મશ્કરીમાં માર્ક ઝકરબર્ગને રાજનીતિમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું

ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં ટેક-લીડર્સને ડિનર પાર્ટી આપી હતી.

ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટેક્નૉલૉજી કંપનીઓના પ્રમુખો સાથે ડિનર-બેઠક યોજી હતી. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલૅનિયા ટ્રમ્પે મેટા કંપનીના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) માર્ક ઝકરબર્ગ, માઇક્રોસૉફ્ટના CEO સત્યા નાદેલા, ગૂગલના CEO સુંદર પિચાઈ સહિત મોટા-મોટા ટેક-લીડર્સને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ઍપલના CEO ટૉમ કુક, ઓપન AIના સૅમ ઑલ્ટમૅન તથા માઇક્રોસૉફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ડોનલ્ડ ટ્રમ્પે આ બેઠકમાં કહ્યું હતું કે ‘દેશ અને દુનિયાના સૌથી પ્રતિભાશાળી લોકો અત્યારે આ ટેબલની ચારે તરફ ભેગા થયા છે. આ ગ્રુપ નિશ્ચિતરૂપે એક હાઈ IQ (ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ) ધરાવતું ગ્રુપ છે અને મને તમારા બધા પર ખૂબ ગર્વ છે. તમે દરેક ક્ષેત્રમાં ક્રાન્તિનું નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારી સાથે અહીં હાજર રહેવામાં ગર્વ અનુભવાય છે.’

ઔપચારિક વાહવાહી પૂરી કર્યા પછી ડોનલ્ડ ટ્રમ્પે દરેક ટેક-લીડર પાસે તેમની કંપની અમેરિકામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે એનો પણ જવાબ માગ્યો હતો. મેટા અને ઍપલે આ બેઠકમાં જાહેર કર્યું હતું કે આ વર્ષે તેઓ અમેરિકામાં ૬૦૦ બિલ્યન ડૉલર જેટલું રોકાણ કરશે. ગૂગલે ૨૫૦ બિલ્યન ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી તો માઇક્રોસૉફ્ટના CEO સત્યા નાદેલાએ કહ્યું હતું કે તેમની કંપની દર વર્ષે અમેરિકામાં ૮૦ બિલ્યન ડૉલરનું રોકાણ કરે છે.

આમ તો આ ડિનરપાર્ટી રોઝ ગાર્ડનમાં યોજાવાની હતી, પણ વરસાદી વાતાવરણને લીધે પ્લાન બદલવો પડ્યો હતો. અંતે ભોજન વાઇટ હાઉસની અંદર જ યોજવામાં આવ્યું હતું.

ઇલૉન મસ્કની ગેરહાજરી ઊડીને આંખે વળગી

અમેરિકાના ટેક લીડર્સની આટલી મોટી બેઠક માટે ટેસ્લાના CEO અને ડોનલ્ડ ટ્રમ્પના એક સમયના ખાસ મિત્ર ઈલૉન મસ્કની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઇલોન મસ્કને આમંત્રણ અપાયું હતું કે નહીં એની ચર્ચા દિવસભર ચાલી હતી અને એવા સમાચાર ફરતા થયા હતા કે તેમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. જોકે મસ્કે અંતે ખુલાસો કર્યો હતો કે તેઓ હાજર રહી શકે એમ નહોતા એટલે તેમના પ્રતિનિધિએ હાજરી આપી હતી.

ટ્રમ્પે ઝકરબર્ગને કહ્યું, આ તમારી રાજકીય કરીઅરની શરૂઆત...

ડિનર પછી એક પત્રકારે માર્ક ઝકરબર્ગને બ્રિટનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે સવાલ પૂછી લીધો હતો. ઝકરબર્ગ ટ્રમ્પની બાજુમાં બેઠા હતા. પત્રકારના સવાલથી અસહજ થઈ ગયેલા અને તરત જવાબ ન આપી શકેલા ઝકરબર્ગને જોઈને ટ્રમ્પે મશ્કરીની તક ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે માર્ક, આ તમારી રાજકીય કરીઅરની શરૂઆત છે, પછી તમે ધીમે-ધીમે બોલવામાં અને જવાબ આપવામાં માહેર થઈ જશો. જોકે ઝકરબર્ગે તરત ના, આ મારી રાજકીય કરીઅરની શરૂઆત નથી એવું સ્પષ્ટ કહી દીધું હતું. તેમણે કહ્યું હતું કે મેં ધાર્યું નહોતું કે આવા પણ કોઈ પ્રશ્નો અહીં પૂછવામાં આવશે.

ભારતીય મૂળના ૪ CEOની પાર્ટીમાં બોલબાલા રહી

ડોનલ્ડ ટ્રમ્પ ભલે ટૅરિફની તલવાર તાણીને ભારતના વિરોધમાં જંગે ચડેલા દેખાય છે, પણ તેમણે ગઈ કાલે વાઇટ હાઉસમાં યોજેલી ડિનરપાર્ટીમાં ભારતીય મૂળના ટેક-લીડર્સની ભારે બોલબાલા રહી હતી. માઇક્રોસૉફ્ટના CEO સત્યા નાદેલા, ગૂગલના CEO સુંદર પિચાઈ, માઇક્રોન ટેક્નૉલૉજીના CEO સંજય મેહરોત્રા તથા પૅલેન્ટિરના CTO (ચીફ ટેક્નૉલૉજી ઑફિસર) શ્યામ શંકર વગેરે આ પાર્ટીમાં સામેલ થયા હતા.

donald trump united states of america elon musk white house sundar pichai mark zuckerberg bill gates foreign direct investment google microsoft apple ai artificial intelligence international news news world news technology news