27 April, 2025 01:19 PM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વૅટિકનમાં પોપ ફ્રાન્સિસની અંતિમયાત્રામાં ભાગ લેવા પહોંચેલા ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદોમિર ઝેલેન્સ્કી કંઈક ગંભીર ચર્ચા કરતા દેખાયા હતા. થોડા સમય પહેલાં બન્ને વાઇટ હાઉસમાં બાખડી પડ્યા એ પછીની તેમની આ પહેલી મુલાકાત હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ ‘ખરાબ’ હતું. ઍરફોર્સ વન દ્વારા રોમ જતી વખતે એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશાં તનાવ રહ્યો છે. બન્ને દેશ એક યા બીજી રીતે એને ઉકેલશે. હું ભારતની ખૂબ નજીક છું, હું પાકિસ્તાનની ખૂબ નજીક છું અને તેઓ કાશ્મીરમાં એક હજાર વર્ષથી લડાઈ લડી રહ્યા છે. આશરે હજાર વર્ષથી કાશ્મીરના મુદ્દે લડાઈ ચાલી રહી છે, કદાચ એનાથી પણ વધારે વર્ષથી આ થઈ રહ્યું છે. આતંકવાદી હુમલો ખરાબ હતો. એ સરહદ પર આશરે ૧૫૦૦ વર્ષથી તનાવ છે, એ સતત ચાલુ છે. મને ખાતરી છે કે તેઓ એક યા બીજી રીતે ઉકેલ લાવશે. હું બેઉ નેતાઓને ઓળખું છું. હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ તનાવ છે અને એ કાયમી છે.