✕

ડોનલ્ડ ટ્રમ્પે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું નામ બદલીને સુપર ઇન્ટેલિજન્સ કરી નાખ્યું, હવે AI નહીં પણ SI કહેવાશે

01 October, 2026 09:38 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

અમેરિકાની દિગ્ગજ ટેક્નૉલૉજી કંપનીઓના પ્રમુખોએ સાથે મળીને આ બદલાવને કાયદાકીય સ્તરે સ્વીકાર્યો

મંગળવારે જાયન્ટ ટેક્નૉલૉજી કંપનીઓના ચીફ સાથે વાઇટ હાઉસમાં ડોનલ્ડ ટ્રમ્પ.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં ટેક્નૉલૉજીના દિગ્ગજો સાથે મીટિંગ કરી હતી એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નું નામ બદલવાનો નિર્ણય લીધો હતો. મીટિંગમાં AIનું નામ બદલીને SI એટલે કે સુપર ઇન્ટેલિજન્સ કરવામાં આવ્યું હતું. મીટિંગ પછી ટ્રમ્પે મીડિયા-બ્રીફિંગમાં જાહેરાત કરી હતી કે ‘અમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું નામ બદલવા માટે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર સાઇન કર્યો છે. અમે બધા જ એ વાતે સહમત છીએ કે AI એ આર્ટિફિશ્યલ નથી એટલે એનું નામ બદલીને સુપર ઇન્ટેલિજન્સ કર્યું છે. અમે સત્તાવાર રીતે આ નામકરણ કર્યું છે.’
આ બેઠકમાં ફેસબુકના CEO માર્ક ઝકરબર્ક, ગૂગલના CEO સુંદર પિચાઈ, વિશ્વના સૌથી અમીર બિઝનેસમૅન ઈલૉન મસ્ક અને અન્ય ટેક્નૉલૉજી કંપનીઓના પ્રમુખો હાજર રહ્યા હતા.. આ બેઠકમાં બધાએ સર્વાનુમતિથી AIને SI તરીકે ઓળખવાનું નક્કી કર્યું હતું. આ માટે સાઇન કરેલા ડૉક્યુમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘ફેડરલ સરકારે એવી શબ્દાવલીનો ઉપયોગ કરવો જોઈએ જે આ ટેક્નૉલૉજીની બદલાવ લાવવાની ક્ષમતાઓ અને એના દ્વારા પેદા થનારી પારાવાર તકો છતી કરતો હોય. સુપર ઇન્ટેલિજન્સ શબ્દ આ ટેક્નૉલૉજી દ્વારા મળતા પ્રૉમિસ, ક્ષમતાઓને વધુ સારી રીતે કમ્યુનિકેટ કરે છે. મારા પ્રશાસનની નીતિ એ કહે છે કે કાયદાના દાયરામાં રહીને હવેથી AIની જગ્યાએ SIનો ઉપયોગ કરવામાં આવશે. હવેથી કાનૂની રીતે AI શબ્દ વાપરવાની માન્યતા નથી.’

international news world news donald trump ai artificial intelligence tech news technology news