૨૦૩૦માં વિશ્વની દર ૧૦માંથી ૧ વ્યક્તિ ડાયાબેટિક હશે

15 November, 2011 07:50 AM IST  | 

૨૦૩૦માં વિશ્વની દર ૧૦માંથી ૧ વ્યક્તિ ડાયાબેટિક હશે



આફ્રિકામાં સૌથી વધુ મૃત્યુ ડાયાબિટીઝને લીધે થાય છે. આગામી બે દાયકામાં આ સંખ્યામાં ૯૦ ટકાનો વધારો થવાની દહેશત છે. ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશને હજી વધી રહેલી મેદસ્વિતાના ફૅક્ટરને ધ્યાનમાં લીધા વિના જ આ અંદાજ કાઢ્યો છે. બાકી આ ચિત્ર વધારે ભયજનક બની શકે છે.

વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડાયાબિટીઝ યુનિટના ડિરેક્ટર ગોજકા રોગ્લિકે કહ્યું હતું કે ‘આ આંકડા વિશ્વસનીય છે. જોકે એ કેટલા સાચા પુરવાર થશે એ વિશે કશું કહી ન શકાય. આ બાબત ચિંતાજનક છે, કારણ કે ડાયાબિટીઝ એક ગંભીર રોગ છે. એને લીધે શરીર નબળુ પડતું જાય છે અને જીવનરેખા ટૂંકી થઈ જાય છે. જોકે યોગ્ય સારવાર લેવામાં આવે તથા તકેદારી રાખવામાં આવે તો એમાંથી ઊગરી પણ શકાય છે.’

૮૦ ટકા દરદીઓ વિકાસશીલ રાષ્ટ્રોમાં

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ અત્યારે ૩૪.૬ કરોડ લોકો ડાયાબિટીઝથી પીડાઈ રહ્યા છે. એમાંથી ૮૦ ટકા દરદીઓ વિકાસશીલ રાષ્ટ્રોના છે. જો ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશન દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડશે તો ૨૦૩૦ સુધીમાં આ રોગને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ડબલ થઈ જશે.

મુખ્ય કારણ બેઠાડુ જીવન

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયાબિટીઝ યુનિટના ગોજકા રોગ્લિકે કહ્યું હતું કે ‘મોટા ભાગના કેસ ટાઇપ ટૂ ડાયાબિટીઝના હોય છે. આ પ્રકારનું ડાયાબિટીઝ મધ્યમ વયમાં કે એ પછી થાય છે. આના માટે વધુપડતું વજન તથા બેઠાડુ જીવન કારણભૂત છે. જો અત્યારથી જ યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ભવિષ્યમાં ડાયાબિટીઝના દરદીઓની સંખ્યા ઘટાડી શકાય છે.’