બંગલા દેશની મસ્જિદમાં 6 એસીમાં એકીસાથે વિસ્ફોટ થતાં 13નાં મોત, 24 ઘાયલ

06 September, 2020 11:08 AM IST  |  Dhaka | Agencies

બંગલા દેશની મસ્જિદમાં 6 એસીમાં એકીસાથે વિસ્ફોટ થતાં 13નાં મોત, 24 ઘાયલ

ગૅસ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો ઢાકાની હૉસ્પિટલમાં આક્રંદ કરતા નજરે પડે છે. તસવીર : એ.એફ.પી.

બંગલા દેશની રાજધાની ઢાકાના પરાં વિસ્તારમાં આવેલી એક મસ્જિદનાં છ એરકન્ડિશનર ફાટતાં એક બાળક સહિત ૧૩ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ વિસ્ફોટ શુક્રવારે રાત્રે આશરે ૯ વાગ્યે નારાયણગંજ રિવર પોર્ટ પાસેની મસ્જિદમાં થયો હતો.

શનિવારે સારવાર દરમ્યાન ૧૨ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક બાળકનું શુક્રવારે મોત નીપજ્યું હતું, તેમ સરકાર દ્વારા સંચાલિત ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના બર્ન યુનિટ – નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન અૅન્ડ પ્લાસ્ટિક સર્જરીના વડા ડૉ. સામંથાલાલ સેને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે યુનિટમાં હાલ અન્ય ૨૪ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ દાઝવાથી તેમના શરીરને ૯૦ ટકા કરતાં વધુ નુકસાન પહોંચ્યું હોવાથી તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે.

મસ્જિદની નીચેથી ટિટાસ ગૅસની પાઇપલાઇન પસાર થાય છે. અમને શંકા છે કે પાઇપલાઇનમાંથી ગૅસ લીક થયો અને બારીઓ બંધ હોવાથી ગૅસ અંદર ભરાયો. કોઈએ એસી કે પંખો ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે, તેમ નારાયણગંજ ફાયર સર્વિસના ડેપ્યુટી અસિસ્ટન્ટ ડિરેક્ટર અબ્દુલાહ અલ અરેફિને જણાવ્યું હતું.

dhaka bangladesh international news