ઇઝરાયલમાં વૅક્સિન લીધા છતાં પણ ૧૨,૦૦૦ લોકો થયા કોરોના પૉઝિટિવ

22 January, 2021 12:47 PM IST  |  Mumbai | Mumbai correspondent

ઇઝરાયલમાં વૅક્સિન લીધા છતાં પણ ૧૨,૦૦૦ લોકો થયા કોરોના પૉઝિટિવ

ફાઇઝરની રસી લેતી મહિલા. (તસવીર : એ.એફ.પી.)

ઇઝરાયલમાં ફાઇઝર-બાયોએનટેકની રસી લીધા બાદ ૧૨,૪૦૦ માણસો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમાંથી ૬૯ માણસોએ રસીનો બીજો ડોઝ પણ લીધો હતો.ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયે ૧,૮૯,૦૦૦ વ્યક્તિઓએ ફાઇઝરની રસી મુકાવી ત્યાર બાદ તેમની ટેસ્ટ કરી હતી અને એમાંથી ૬.૬ ટકા લોકોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.
અગાઉ મહામારી વિશેના રાષ્ટ્રીય કો-ઑર્ડિનેટર નેચમેન એશે જણાવ્યું હતું કે ‘ફાઇઝરની રસી અમે વિચાર્યું હતું એના કરતાં ઓછી અસરકારક છે.’
ઇઝરાયલે ૧૯ ડિસેમ્બરે રસીકરણ અભિયાન આદર્યું હતું, જેમાં વયોવૃદ્ધ નાગરિકો, જોખમી તબીબી સ્થિતિ ધરાવતા લોકો અને કેટલાક ઇમર્જન્સી વર્કર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે દેશના ચોથા ભાગ કરતાં વધુ નાગરિકોએ ફાઇઝરની રસી લઈ લીધી છે.
ઇઝરાયલમાં હજી પણ લૉકડાઉન પ્રવર્તતું હોવા છતાં ઇન્ફેક્શનનો દર ઘણો ઊંચો છે. મહામારી શરૂ થઈ ત્યારથી ઇઝરાયલમાં પાંચ લાખ કરતાં વધુ કેસો નોંધાયા છે અને ૪૦૦૫ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
લૉકડાઉન અને રસીકરણ છતાં સંક્રમણ વધવા પાછળનું કારણ વાઇરસનું મ્યુટેશન (બદલાતું
સ્વરૂપ) અને કેટલાક લોકો દ્વારા લૉકડાઉનના નિયમોનું કરવામાં આવતું ઉલ્લંઘન છે.

national news international news israel coronavirus covid19