ડેન્માર્કમાં થયેલો હુમલો આતંકવાદી ઘટના ન હોવાની પોલીસની સ્પષ્ટતા

05 July, 2022 08:45 AM IST  |  Copenhagen | Gujarati Mid-day Correspondent

રવિવારે કોપનહેગનના મૉલમાં કરેલા ગોળીબારમાં ત્રણનાં મોત, ૨૨ વર્ષના યુવકની પોલીસે કરી ધરપકડ

રવિવારે ડેન્માર્કના કોપનહેગનમાં આવેલા મૉલમાં રાઇફલ સાથે પોલીસના સંકજામાં આવેલો આરોપી

ડેન્માર્કની પોલીસે કોપનહેગનના મૉલમાં રવિવારે થયેલા ગોળીબારની ઘટનામાં કોઈ આતંકવાદી કાવતરું હોવાની વાતને નકારી કાઢી હતી. આ ગોળીબારની ઘટનામાં ત્રણ વ્ય​ક્તિઓનાં મોત નિપજ્યાં હતાં, તેમ જ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોપનહેગનના ચીફ પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે એક ૧૭ વર્ષનો યુવક અને એક યુવતી બન્ને ડેન્માર્કનાં રહેવાસી તેમ જ એક ૪૭ વર્ષના રશિયાના નાગરિકનું રવિવારે બપોરે કરવામાં આવેલા ગોળીબારમાં મોત નિપજ્યાં હતાં, ચાર લોકો ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત મૉલમાં થયેલી દોડધામને કારણે અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. 

પોલીસે આ ઘટનામાં ૨૨ વર્ષના ડેન્માર્કના યુવકની ધરપકડ કરી છે. તેણે શા માટે આ હુમલો કર્યો એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ કોઈ આતંકવાદી કૃત્ય હોય એવું પણ જણાતું નથી. પોલીસ આરોપીની વધુ તપાસ કરી રહી છે. પોલીસે આરોપી પાસેથી એક રાઇફલ જપ્ત કરી હતી. આ ઉપરાંત તેની પાસે એક ચાકુ પણ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે એ માનસિક સારવાર લઈ રહ્યો હતો. જોકે આ અંગે વધુ માહિતી નથી.

international news denmark