12 December, 2025 07:09 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
મોદી-પુતિનની તસવીર
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા ત્યારે પ્રોટોકૉલ તોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કારમાં બેઠા એ બે દેશોના નેતાઓ વચ્ચે વિશ્વાસનો સંબંધ કેટલો મજબૂત થઈ રહ્યો છે એ બતાવે છે. આ વાત હવે અમેરિકાની કૉન્ગ્રેસમાં ચર્ચાનો વિષય બની છે. ડેમોક્રૅટિક પાર્ટીનાં પ્રતિનિધિ સિડની કૅમલગર-ડવે મોદી-પુતિનની કાર-પૂલિંગ મોમેન્ટનો ફોટો દેખાડીને ભારત પ્રત્યે ડોનલ્ડ ટ્રમ્પની વિદેશનીતિની ટીકા કરતાં કહ્યું હતું કે આ પોસ્ટર હજાર શબ્દો બરાબર છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત પ્રત્યે ટ્રમ્પની નીતિઓ માત્ર આપણું નાક કાપવા જેવી છે. એક જબરદસ્તી કરનારા પાર્ટનર હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે અને આ પોસ્ટર હજાર શબ્દો બરાબર છે. અમેરિકાના સ્ટ્રૅટેજિક પાર્ટનરને આપણા દુશ્મનની બાંહોમાં ધકેલનારાને કદી નોબેલ શાંતિ પુરસ્કાર ન મળે.’
ભારત સાથેના બગડી રહેલા સંબંધોને ઝડપથી સુધારવા જોઈએ એવું જણાવતાં સિડનીએ કહ્યું હતું કે અમેરિકા-ઇન્ડિયા પાર્ટનરશિપને થયેલું નુકસાન ઘટાડવા તેમ જ અમેરિકાની સમૃદ્ધિ, સલામતી અને ગ્લોબલ લીડરશિપને પાછી મેળવવા માટે બહુ ઝડપથી પગલાં લેવાની જરૂર છે.