ફ્લૉરિડામાં કેટલાક મૂરખ લોકોએ ઇયાન વાવાઝોડાની ચેતવણીની કરી અવગણના

30 September, 2022 08:56 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

કેટલાક તોફાન છતાં સમુદ્રમાં ગયા તો, ઘણા ઘરમાં રહેવાને બદલે ઝંડો લઈને શેરીમાં નીકળ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

બુધવારે વાવાઝોડું ઇયાન અમેરિકાના ફ્લૉરિડામાં ત્રાટક્યું હતું, જેણે બહુ મોટો વિનાશ સરજ્યો હતો. સરકાર દ્વારા લોકોને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી હતી. પાણીની ભયજનક સપાટી ઝડપથી વધતાં લોકોને છત પર જવાની સલાહ આપવામાં આવી હતી તો બીજી તરફ કેટલાક મૂરખ લોકો આ ચેતવણીને અવગણીને સમુદ્રમાં ગયા હતા તો કેટલાક વળી દેશભ​ક્તિ દર્શાવવા માટે રાષ્ટ્રધ્વજ લઈને શેરીમાં નીકળ્યા હતા. આ બધાને બચાવવામાં બચાવ કરનારા અધિકારીઓએ જહેમત ઉઠાવવી પડી હતી. ફ્લૉરિડાના ગવર્નરે લોકોને આવું ખોટું સાહસ ન કરવા વિનંતી કરી હતી. બે દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહેશે. 

ફોર્ટ મેયર્સમાં પૂરનાં પાણી છ ફુટ સુધી આવ્યાં હતાં તેમ છતાં બે વ્યક્તિ દરિયાકાંઠે ગઈ હતી, જેમની આ ગતિવિધિ સર્વેલન્સ કૅમેરામાં કેદ કરવામાં આવી હતી. તોફાની દરિયાનાં મોજાં તેમને પાછળ ધકેલતાં હતાં છતાં તેઓ આ સ્ટન્ટ કરતા હતા. તો દરિયાકાંઠાથી દૂર એક વ્યક્તિ વાવાઝોડાના જોરનો સામનો કરીને એક નિર્જન રસ્તા પર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ લહેરાવતો હતો. તો અન્ય એક વ્યક્તિએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું અપમાન કરતો ધ્વજ લઈને નીકળ્યો હતો. સારાસોટાના દરિયાકાંઠે એક વ્યક્તિ સમુદ્રમાં જેટ સ્કી લઈને નીકળ્યો હતો. બીજી તરફ એક વ્યક્તિના ઘરમાં સમુદ્રનાં પાણી ઘૂસ્યા હતાં જેની સપાટી ઝડપભેર વધી રહી હતી. નોંધપાત્ર છે કે, આ વાવાઝોડાના કારણે ફ્લૉરિડામાં લાખો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, કેટલાક લોકોએ આ આદેશ નહોતો માન્યો. 

international news united states of america florida