પૃથ્વી પરના અફાટ રણ જેવી દેખાય છે મંગળ ગ્રહની સપાટી

10 August, 2012 08:37 AM IST  | 

પૃથ્વી પરના અફાટ રણ જેવી દેખાય છે મંગળ ગ્રહની સપાટી

 

 

 

મંગળ ગ્રહ પર જીવનની શક્યતા તપાસવા માટે મોકલવામાં આવેલા ક્યુરિયોસિટી રોવરે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ક્યુરિયોસિટીએ મંગળ ગ્રહની સપાટીની કેટલીક તસવીરો મોકલી છે જેમાં આ ગ્રહની સપાટી અદ્દલ પૃથ્વી પરના કોઈ વેરાન રણ જેવી દેખાય છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે મંગળ પર ઊડતી ધૂળની ડમરીઓને કારણે સ્પષ્ટ તસવીરો નહીં મળે. જોકે એવું ન બનતાં નાસાના વિજ્ઞાનીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

૨.૫ અબજ ડૉલરના ખર્ચે હાથ ધરવામાં આવેલા આ મિશનનું સંચાલન નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરી દ્વારા કરવામાં આવે છે. આ લૅબના ઇમેજિંગ સાયન્ટિસ્ટ જસ્ટિન મેકીએ કહ્યું હતું કે નેવિગેશન કૅમેરાની મદદથી રોવરે અનેક હાઈ રિસૉલ્યુશન તસવીરો મોકલી છે. તેમણે કહ્યું હતું કે તસવીરોમાં ભલે મંગળની સપાટી પૃથ્વી જેવી દેખાતી હોય પણ ત્યાંનું વાતાવરણ અહીં કરતાં સાવ અલગ છે. મંગળની સપાટી પર સતત રેડિયેશનનો મારો થતો રહે છે. એક જમાનામાં મંગળની સપાટી ઠંડી અને ભેજવાળી હતી. ક્યુરિયોસિટી રોવર મોકલવાનો એક હેતુ એ શોધી કાઢવાનો છે કે મંગળના વાતવરણમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હતું. આઠ મહિના લાંબી સફર બાદ મંગળ પર પહોંચેલું ક્યુરિયોસિટી રોવર બે વર્ષ સુધી આ ગ્રહની મહેમાનગતિ માણશે.

 

નાસા = NASA =  નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન