આઇફલ ટાવરની નીચે બે મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓએ કર્યો છરીથી હુમલો

22 October, 2020 02:10 PM IST  |  Paris | Agency

આઇફલ ટાવરની નીચે બે મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓએ કર્યો છરીથી હુમલો

આઇફલ ટાવર

હજરત મોહમ્મદ પયગંબરના કાર્ટૂનના મુદ્દે ચાલી રહેલા વિવાદના પગલે જગમશહૂર આઇફલ ટાવર તળે બે મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓએ છરીના સંખ્યાબંધ પ્રહાર કરીને તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી.

પોલીસે પકડેલી બન્ને હુમલાખોર મહિલાઓ ગોરી છે અને યુરોપની હોવાનો પોલીસનો ખ્યાલ હતો. અત્રે એ યાદ રહે કે ગયા સપ્તાહે બાળકોને પયગંબરનું કાર્ટૂન દેખાડી રહેલા એક ઇતિહાસ ટીચરની હત્યા કરાઈ હતી. આ કાર્ટૂનના મુદ્દે છેક ૨૦૧૫થી વિવાદ ચાલી રહ્યો હતો.

મુસ્લિમ મહિલાઓ પર હુમલો કરનારી ગોરી યુવતીએ તેમને ગંદી અરબી મહિલાઓ કહીને ગાળાગાળી પણ કરી હતી. આ બન્ને મહિલાઓ સામે ફ્રેન્ચ કાયદા મુજબ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાશે, એમ ફ્રેન્ચ પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું.

ઈજાગ્રસ્ત મુસ્લિમ મહિલાઓ મૂળ અલ્જિરિયાની છે. હાલમાં તેઓ ફ્રાન્સના નાગરિક છે. તેમની ઓળખ કેન્ઝા અને અમેલ તરીકે અપાઈ હતી. બન્નેને છરીના છથી સાત પ્રહાર થયા હતા. આઇફલ ટાવરની નીચે જ આ ઘટના બની હતી. આ પ્રસંગે હાજર કેટલાક પ્રવાસીઓએ ઘટનાના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.

કેન્ઝા અને અમેલને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. અમેલના હાથની સર્જરી કરવી પડી હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. કેન્ઝાએ મીડિયાને કહ્યું હતું કે અમે વૉક પર નીકળ્યાં હતાં. બેમાંની એક હુમલાખોરે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.

paris eiffel tower international news Crime News