કોરોના વેક્સીન લગાવવાથી મગર બની જઇશું, મહિલાઓને ઉગી જશે દાઢી?

19 December, 2020 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના વેક્સીન લગાવવાથી મગર બની જઇશું, મહિલાઓને ઉગી જશે દાઢી?

ફાઈલ ફોટો

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. આજે ભારતમાં પણ કોવિડ-19 પૉઝિટિવના કુલ કેસ એક કરોડને પાર થયા છે. બીજી બાજુ વેક્સિનનું ડેવલપમેન્ટ પણ સકારાત્મક તબક્કે છે. એવામાં અમૂક લોકો વેક્સિન બાબતે વિચિત્ર ટિપ્પણી કરી રહ્યા છે, જેમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનોરોનો પણ સમાવેશ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનોરોએ આ મહામારીની વેક્સીન પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ફાઇઝર બાયોન્ટેક કંપની દ્વારા વિકસિત કોરોના વેક્સીન લગાવવાથી લોકોને મગર કે દાઢી વાળી મહિલા બનાવી દેશે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો શરૂઆતથી જ કોરોના વાયરસને હળવાશથી લઈ રહ્યા છે. ગત વર્ષના અંતમાં શરૂ થયેલ કોરોના વાયરસને તેમણે હળવો તાવ ગણાવ્યો હતો. આ સપ્તાહે જ્યારે આખા દેશમાં માસ વેક્સીનેશનની શરૂઆત થઈ તો બોલ્સોનારોએ પોતે વેક્સીન લગાવવાની ના પાડી દીધી હતી.
બોલ્સોનારોએ કહ્યું હતું કે ફાઇઝરે પોતાના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે અમે વેક્સીનના સાઇડ ઇફેક્ટની કોઈ જવાબદારી લઈ રહ્યા નથી. તેમણે આ કોન્ટ્રાક્ટને મજાક બનાવતા કહ્યું હતું કે જો તમે વેક્સીન લગાવ્યા પછી મગર બની જશો તો તે તમારી સમસ્યા છે.

brazil coronavirus covid19