રશિયાના આ માણસે પોતાના ઘરમાં ૨૯ ડેડ બૉડીઓ સાચવી હતી

08 November, 2011 08:36 PM IST  | 

રશિયાના આ માણસે પોતાના ઘરમાં ૨૯ ડેડ બૉડીઓ સાચવી હતી



 

રશિયામાં એક માથાફરેલ શખ્સે ૨૯ મૃતદેહોને મમી બનાવી એને ઢીંગલીની માફક સજાવીને ઘરમાં સાચવી રાખ્યા હતા. આ બાબતે રશિયાના ગૃહમંત્રાલયે ગઈ કાલે કહ્યું હતું કે પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે માત્ર એટલું જ કહ્યું હતું કે આ શખ્સ એક વિખ્યાત ઇતિહાસવિદ્ છે, પરંતુ તેની ઓળખ જાહેર કરી નહોતી. જોકે રશિયાના લોકલ મિડિયાના અહેવાલ મુજબ તેનું નામ ઍનાતોલી મૉસ્ક્વિન છે.

રશિયાની વોલ્ગા રિવર પાસે આવેલા નિઝની નોવગોરોડ શહેરમાં રહેતો આ શખ્સ કબ્રસ્તાનમાંથી મૃતદેહોને ખોદી કાઢતો હતો અને તેને પોતાના ઘરે લઈ જઈ સજાવીને રાખતો હતો. તેણે અનેક પુસ્તકો લખ્યાં છે. રશિયન મિડિયાએ જણાવ્યા અનુસાર તેણે માત્ર મહિલાઓના મૃતદેહોનું જ કલેક્શન કર્યું હતું. મૃતદેહો પ્રત્યેના લગાવ માટે તે અગાઉથી જ ભારે વિખ્યાત હતો. પોલીસને પણ આ ૪૫ વર્ષનો શખ્સ મૃતદેહનું કલેક્શન કરતો હોવા વિશે તથા શબ ચોરીને લઈ જતો હોવા વિશે શંકા હતી. પોલીસે અગાઉ તેની પૂછપરછ કરી હતી, પરંતુ તે દરેક વખતે બચી જતો હતો. જોકે આ વખતે પોલીસે તેના ઘરે દરોડા પાડતાં ૨૯ મૃતદેહો મળી આવ્યા હતા. તે ૧૩ ભાષાઓ જાણે છે.