અમેરિકામાં 24 કલાકમાં 2500ના મોત: કુલ મૃત્યુઆંક 54,000ને પાર

27 April, 2020 01:26 PM IST  |  Washington | Agencies

અમેરિકામાં 24 કલાકમાં 2500ના મોત: કુલ મૃત્યુઆંક 54,000ને પાર

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત બન્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૯૪ લોકોનાં મૃત્યુ કોરોનાના કારણે થયાં છે અને ૫૪,૨૬૫ લોકોનાં કુલ મૃત્યુ અત્યાર સુધી કોરોનાના કારણે થયાં છે. અમેરિકામાં અત્યાર સુધી ૯,૬૦,૦૦૦થી વધુ કોરોના પૉઝિટવ કેસ નોંધાયા છે. વિશ્વની આ મહામારી વચ્ચે અમેરિકામાં વધતા જતા કેસ એ ચિંતાનું કારણ બની રહ્યા છે અને સૌથી વધારે મૃત્યુ અને કોરોના પૉઝિટિવ કેસ ન્યુ યૉર્કમાં નોંધાયા છે.

ઉત્તર અમેરિકા ખંડમાં પણ કેસની સંખ્યા ૧૦ લાખને પાર થઈ છે. એમાં એકલા અમેરિકામાં જ સવાનવ લાખથી વધારે કેસ છે. બીજા ક્રમે કૅનેડા છે, જ્યાં ૪૪,૦૦૦ જેટલા કેસ નોંધાયા છે. એ પછી મેક્સિકોમાં ૧૩,૦૦૦ અને ડોમિનિક રિપબ્લિકમાં પોણાછ હજાર કેસ નોંધાયા છે. ઉત્તર અમેરિકા ખંડનો કુલ મૃત્યુઆંક ૫૬,૦૦૦થી થોડો વધારે છે. ઇટલીમાં મે મહિનાના પહેલા અઠવાડિયાથી લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત થશે. એ વખતે સરકાર લોકોને વિનામૂલ્યે માસ્ક આપશે, જેથી સલામતી જાળવી શકાય.

જોકે અમેરિકા ચેપના ફેલાવાથી મુક્ત થઈ રહ્યું હોય એવું સંશોધકો માને છે. એટલે કે જેટલો ચેપ ફેલાવો હતો એટલો ફેલાઈ ગયો, હવે ધીમો પડવાનો સમય શરૂ થઈ ગયો છે. પરિણામે અમેરિકામાં લૉકડાઉન હળવું કરવાની તથા ઉદ્યોગ-ધંધા ફરીથી ધમધમતા કરવાની હિલચાલ તેજ બની છે. અમેરિકાના જ્યોર્જિયા, ઓકલાહામા અને અલાસ્કા રાજ્યોએ તો લૉકડાઉનમાં છૂટછાટ આપી પણ દીધી છે. અમેરિકામાં સૌથી વધુ કેસ જ્યાં છે એ ન્યુ યૉર્ક રાજ્યમાં આ અઠવાડિયાના સૌથી ઓછા ૪૨૨ મોત ગુરુવારે નોંધાયાં હતાં.

united states of america washington coronavirus covid19 international news