ચીન સાથેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાના મૂડમાં છે અમેરિકા

15 May, 2020 11:56 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ચીન સાથેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાના મૂડમાં છે અમેરિકા

ફાઈલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પ્રત્યેનો પોતાનો રોષ ઠાલવતા ગુરૂવારે કહ્યું હતું કે, મારી રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની કોઈ જ ઇચ્છા નથી. તેમજ ટ્રમ્પે ચેતાવણી પણ આપી હતી કે, કોરોના વાયરસ મહામારીનો સામનો કરવાની સાથે જ ચીન સાથેના વ્યાપારિક સંબંધો પર કાપ પણ મૂકી શકે છે. દરમ્યાન અમેરિકાની દ્રષ્ટિએ વાત કરીએ તો એવું લાગી રહ્યું છે કે, આ ક્ષણે તે ચીન સાથેના તમામ વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાના મુડમાં છે.

વોશિંગટન અને બીજીંગ વચ્ચે કોરોના મહામારીને લઈને તણાવની પરિસ્થિતિ ઉભી થઈ છે. બન્ને દેશો વચ્ચે વ્યાપારિક સોદાઓ પણ થતા રહે છે. પરંતુ 2019ના અંતમાં ચીનના વુહાનમાંથી ફેલાયેલા વાયરસને કારણે બન્ને દેશોમાં અણબનાવ થઈ ગયો છે. ટ્રમ્પે ફોક્સ બિઝનેસને કહ્યું હતું કે, મારા શી સાથે બહુ સારા સંબંધો છે પરંતુ હું અત્યારે તેમની સાથે વાત કરવા નથી માંગતો. ચીનથી હું બહુ નિરાશ છું.

જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા જવાબી કાર્યવાહીમાં શું કરી શકે છે ત્યારે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા ન કરી પરંતુ ચેતવણી આપતા કહ્યું હતું કે, ઘણી વસ્તુઓ એવી છે જે અમે કરી શકીએ છીએ. અમે સબંધને જ ખતમ કરી શકીએ છીએ. જો અમે આવું કરીએ તો શું થાય? જો તમે આખેઆખો સંબંધ જ કાપી દો તો 500 બિલિયન ડોલર બચાવી શકીએ છીએ.

મહામારીને કારણે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યાપારિક યુધ્ધને વધુ ગંભીર બનાવી દીધું છે. ટ્રમ્પે આંશિક વ્યાપાર સોદાના ભવિષ્ય પર પ્રશ્નો કર્યા છે. આ અઠવાડિયાનિ શરૂઆતમાં ચીન સાથે ફરીથી વાતચીત શરૂ થવાના મુદ્દે વ્યાપારિક સોદા પર વાતચીત કરવામાં આવશે તેમ ટ્રમ્પે કહ્યું હતું.

દરમ્યાન, કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા હવે આકરા પાણીએ છે. આવી સ્થિતિમાં અમેરિકા ચીન વિરૂદ્ધ કેટલાક પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે સેનેટમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલના આધારે ટ્રમ્પને તાકાત આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ભારત, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, જપાન, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલના વિદેશપ્રધાન સાથે મંત્રણા કરી છે.

આ મંત્રણામાં ચીનને કોરોના માટે જવાબદાર ઠેરવવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. અમેરિકાના નવ સેનેટ સભ્યોએ જણાવ્યું કે‍ એક બિલ લાવવામાં આવે અને આ બિલ દ્વારા ટ્રમ્પને ચીન પર પ્રતિબંધ લાગુ કરવાના અધિકાર મળે.

coronavirus covid19 united states of america china donald trump xi jinping