કોવિડ-19 : અમેરિકામાં કોરોનાના 14 લાખથી વધારે કેસ નોંધાયા

14 May, 2020 12:52 PM IST  |  New York | Agencies

કોવિડ-19 : અમેરિકામાં કોરોનાના 14 લાખથી વધારે કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં કોરોનાના ૪૩.૪૨ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૨.૯૩ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧૬ લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ઑગસ્ટ સુધીમાં ૧.૪૭ લાખનાં મોત થઈ શકે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૪ લાખ ૮ હજારથી વધારે કેસ નોંધાયા છે જેમાં ૮૩,૪૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં ૯૯.૩૬ લાખ લોકોની ટેસ્ટ કરાઈ છે. ૨.૯૭ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સિએટલ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવૅલ્યુએશને બુધવારે કહ્યું છે કે અમેરિકામાં ઑગસ્ટની શરૂઆત સુધીમાં ૧.૪૭ લાખથી વધારે લોકોનાં મોત થઈ શકે છે. આ પહેલાંના અનુમાન કરતાં ૧૦ હજાર વધારે છે. ઇજિપ્તમાં કોરોના સંક્રમણના ૩૪૭ નવા કેસ નોંધાતાં કુલ કેસ ૧૦,૦૯૩ થયા છે. મંગળવારે ૧૧ લોકોનાં મોત સાથે મૃત્યુઆંક ૫૪૪ થયો છે.

અમેરિકાની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. એન્થની ફોસીએ અમેરિકાનાં રાજ્યોમાંથી લૉકડાઉનને હટાવવાને લઈને ચેતવણી આપી છે. જો મહામારી કાબૂમાં કરવાની ક્ષમતા વિકસિત કર્યા પહેલાં રાજ્યોને રાહત આપવામાં આવશે તો એના ગંભીર પરિણામ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ફરી વાર બિઝનેસ શરૂ કરવા ઇચ્છે છે.

ટ્વિટરે જાહેરાત કરી છે કે તેના કર્મચારી કોરોના મહામારી પછી પણ ઇચ્છે તો હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે. ઑફિસ પણ ખુલ્લી રહેશે, પણ અહીં સુરક્ષાનું પૂરતું ધ્યાન રખાશે.

united states of america coronavirus covid19 international news