corona Outbreak:અમેરિકામાં કોરોનાથી 2 ગુજરાતી સહિત ૧૧ ભારતીયોના જીવ ગયા

10 April, 2020 01:23 PM IST  |  Mumbai Desk | Agencies

corona Outbreak:અમેરિકામાં કોરોનાથી 2 ગુજરાતી સહિત ૧૧ ભારતીયોના જીવ ગયા

અમેરિકામાં કોરોના વાઇરસને પગલે ઓછામાં ઓછા ૧૧ ભારતીયો મોતને ભેટ્યા છે, જ્યારે ૧૬ ભારતીયોના ટેસ્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે. અમેરિકામાં કોરોનાને કારણે ૧૪,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે ૪ લાખ કરતાં વધુ લોકો કોરોના-પૉઝિટિવ છે. આમાં વડોદરાના બે ગુજરાતીઓનો સમાવેશ છે અને તેઓ બન્ને ન્યુ જર્સીમાં હતા.

અમેરિકામાં કોરોનાથી પીડિત તમામ ભારતીય નાગરિકો પુરુષ છે, જેમાં ૧૦ ન્યુ યૉર્ક અને ન્યુ જર્સી વિસ્તારમાં છે. પીડિતોમાંથી ૪ ન્યુ યૉર્ક શહેરમાં ટૅક્સી ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ન્યુ યૉર્ક સિટી અમેરિકામાં કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે, જ્યાં ૬૦૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે અને ૧,૩૮,૦૦૦ લોકો કોરોપા-પૉઝિટિવ છે. ન્યુ જર્સીમાં ૪૮,૦૦૦ લોકો કોરોના-પૉઝિટિવ છે અને ૧૫૦૦ લોકો જીવલેણ વાઇરસને કારણે મોતને ભેટ્યા છે.
આ સિવાય એક ભારતીય નાગરિકનું પણ ફ્લૉરિડામાં કોરોના વાઇરસને કારણે મોત થયું છે. અધિકારીઓ કૅલિફૉર્નિયા અને ટેક્સસ જેવાં રાજ્યોમાં પણ કેટલાક ભારતીય મૂળના લોકોની નાગરિકતાની તપાસ કરી રહ્યા છે.
કોરોના-પૉઝિટિવ મળી આવેલી ૪ મહિલા સહિત ૧૬ ભારતીયો સેલ્ફ આઇસોલેટ છે, જેમાં ૮ ન્યુ યૉર્કથી અને ત્રણ ન્યુ જર્સીમાંથી છે, જ્યારે બાકીના ટેક્સસ અને કૅલિફૉર્નિયા જેવાં રાજ્યોમાંથી છે. આ તમામ લોકો ભારતના ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઇન્ડિયન હાઈ કમિશન ભારતીય અમેરિકન સંગઠન સાથે મળીને કામ કરી રહ્યું છે, જેથી ભારતીય નાગરિકો અને કોરોનાથી પ્રભાવિત વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડી શકાય.

જીવલેણ કોરોના વાઇરસ સમક્ષ વિશ્વનું સુપરપાવર અમેરિકા લાચાર જોવા મળી રહ્યું છે. અમેરિકામાં સતત બીજા દિવસે પણ ૨૦૦૦ લોકો મોતને ભેટ્યા છે. માત્ર બે દિવસમાં જ કોરોના વાઇરસે ૪૦૦૦ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં ૧૪૬૯૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

સુધરો, નહીં તો લાશોના ઢગ હશે : હૂનો ટ્રમ્પને જવાબ

કોરોના વાઇરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૮૮,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી ૧૪,૭૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪ લાખ ૩૦ હજાર અમેરિકનો કોરોના પૉઝિટિવ છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર જોરદાર નિશાન સાધ્યું છે. તેઓએ આ ભયાનક સ્થિતિ માટે ડબ્લ્યુએચઓને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ હવે ટ્રમ્પને ડબ્લ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસએ વળતો જવાબ આપતાં કહ્યું કે કોરોના વાઇરસ પર રાજકારણ ન કરવું જોઈએ.

અમેરિકામાં જ્યાં પ્રદૂષણ વધારે ત્યાં મૃત્યુદર વધુ : હાર્વર્ડ યુનિવર્સિટી

દુનિયાભરમાંથી સમાચારો અને તસવીરો આવી રહી છે કે કોરોનાને લીધે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. એનાથી સંબંધિત વધુ એક તથ્ય સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં પ્રદૂષણ વધારે હતું ત્યાં કોરોનાને કારણે વધુ મૃત્યુ થયાં. જ્યાં પ્રદૂષણ ઓછું હતું ત્યાં ચેપ પણ ઓછો ફેલાયો અને મૃત્યુઆંક પણ ઓછો રહ્યો. આ દાવો અમેરિકાની દેશવ્યાપી સ્ટડીમાં કરાયો છે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકાની ૩૦૮૦ કાઉન્ટીનું વિશ્લેષણ કર્યું. યુનિવર્સિટીના ટી.એચ. ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ મુજબ જે વિસ્તારોમાં પ્રદૂષિત કણ (પીએમ ૨.૫)નું સ્તર ઊંચું હતું ત્યાં મૃત્યુદર પણ વધુ રહ્યો. દેશમાં પહેલી વાર આ પ્રકારની સ્ટડીમાં સંશોધકોએ આંકડાકીય માહિતીના આધારે નોંધ્યું કે પ્રદૂષણ કણોની સંખ્યા વધુ હોવાની અસર કોરોના અને અન્ય બીમારીઓથી થતાં મૃત્યુ પર થઈ છે. સ્ટડી અનુસાર જો મેનહટન તેના સરેરાશ પ્રદૂષણ કણોને ગયાં ૨૦ વર્ષમાં એક માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર પર ઘટાડી દેશે તો કદાચ આપણને ૨૪૮ મૃત્યુ ઓછાં જોવા મળશે.

united states of america coronavirus covid19 international news