જાપાને વગર લૉકડાઉને કઈ રીતે કોરોના પર લગામ તાણી?

26 May, 2020 10:07 AM IST  |  Tokyo | Agencies

જાપાને વગર લૉકડાઉને કઈ રીતે કોરોના પર લગામ તાણી?

પ્રતીકાત્મક તસવીર

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ટોક્યો તથા બાકીના ચાર વિસ્તારોમાંથી કોરોનાવાઇરસને પગલે લાગુ કરવામાં આવેલી કટોકટી ઊઠાવી લીધી હતી અને આ સાથે દેશભરમાં લાદવામાં આવેલાં નિયંત્રણોનો અંત આવ્યો હતો.

રહેવાસીઓની ગતિવિધિ પર કોઇ નિયંત્રણો લાદવામાં આવ્યાં ન હતાં અને રેસ્ટૉરાંથી લઇને હેરડ્રેસર સુધીના વ્યવસાયો શરૂ કરી દેવાયા હતા. લોકોની ગતિવિધિ પર નજર રાખતી કોઇ હાઇટેક એપ્સ તહેનાત કરાઇ ન હતી. વળી, અન્ય દેશો જ્યારે “ટેસ્ટ, ટેસ્ટ, ટેસ્ટ”નો પોકાર કરી રહ્યા હતા, ત્યારે જાપાને તેની કુલ વસ્તીમાંથી માત્ર ૦.૨ ટકા લોકોનો જ ટેસ્ટ કરાવ્યો હતો – જે વિકસિત દેશોમાં ટેસ્ટના સૌથી નીચા દરોમાં સ્થાન પામે છે.

ટોક્યોમાં કેસોની સંખ્યા ઘટીને મોટાભાગના દિવસો સુધી એક આંકડાની રહી છે. ઇન્ફેક્શનના બીજા રાઉન્ડની ગંભીર શક્યતા હજી પણ પ્રવર્તી રહી છે, ત્યારે જાપાન ગણતરીના સપ્તાહોમાં ઇમર્જન્સી ઉઠાવી લેવા માટે સજ્જ છે.

અન્ય સફળ દેશોએ ઉપયોગમાં લીધેલાં પગલાંઓને ધ્યાન પર લીધા વિના જાપાન કેવી રીતે વાઇરસને અંકુશમાં રાખી શક્યું, તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

વાસેડા યુનિવર્સિટી ખાતેના પ્રોફેસર અને વાઇરસ પરના નિષ્ણાતોના પબ્લિક એડવાઇઝરી ગ્રૂપના સભ્ય મિકિહિતો તનાકાએ જણાવ્યું હતું કે, “ફક્ત મૃત્યુ આંક જોઇને તમે એમ કહી શકો કે, જાપાન સફળ રહ્યું હતું, પરંતુ નિષ્ણાતો સુદ્ધાં કારણ જાણતા નથી.”

એક યાદીમાં આ પાછળનાં ઘણાં સંભવિત કારણો રજૂ કરવામાં આવ્યાં છે, જેમાં માસ્ક પહેરવાની પ્રથાથી લઇને મેદસ્વીપણાના નીચા દર અને શાળાઓ બંધ કરવાનો પ્રમાણમાં વહેલા લેવાયેલા નિર્ણયનો સમાવેશ થાય છે. અત્યંત રસપ્રદ સૂચનોમાં જાપાની પ્રજા અન્ય ભાષા બોલનારા લોકોની તુલનામાં ઓછા પ્રમાણમાં વાઇરસ ધરાવતાં ડ્રોપ્લેટ્સ ફેંકે છે – તેનો સમાવેશ થાય છે.

આશરે ૧૬,૬૦૦ કન્ફર્મ્ડ કેસો અને ૮૫૦ જેટલાં મૃત્યુ સાથે જાપાન હળવાં નિયંત્રણો છતાં અત્યાર સુધી અમેરિકા અને યુરોપે અનુભવેલા વ્યાપક રોગચાળાને નાથવામાં સફળ રહ્યું છે.

tokyo japan coronavirus covid19 lockdown international news