ઇટલીમાં સૌથી વધુ 5400 મોત, અમેરિકામાં આંકડો 400ને પાર

24 March, 2020 12:19 PM IST  |  Washington/Rome | Agencies

ઇટલીમાં સૌથી વધુ 5400 મોત, અમેરિકામાં આંકડો 400ને પાર

પ્રતીકાત્મક તસવીર

દુનિયાના ૧૯૨થી વધારે દેશો કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા છે. મહામારીના કારણે ૧૪,૭૪૯ લોકોનાં મોત થયાં છે. ચીન પછી ઇટલીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. ઇટલીમાં કોરોના વાઇરસના કારણે કુલ ૫૪૭૬ લોકોનાં મોત થયાં છે. ન્યુ ઝીલૅન્ડમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના કેસમાં બમણો વધારો થયો છે. ત્યાર પછી સરકારે બુધવારથી લૉકડાઉનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલ, વ્યવસાયો અને સામુદાયિક સેવાઓમાં જોડાયેલા લોકોને બે દિવસનો તૈયારીનો સમય આપ્યો છે.

અમેરિકામાં પણ કોરોના વાઇરસ ઘૂસી ગયો છે. અહીં રવિવારે ૨૪ કલાકમાં ૧૪,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૩૩,૨૭૬ લોકોને ઇન્ફેક્શન થયું છે. અમેરિકામાં વધુ ૩૯ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૪૫૮ થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કારણે ચિંતિત છે, કારણ કે ચીને સમયસર અમેરિકાને વાઇરસ વિશે જાણ ન કરી. બીજી બાજુ સ્પેનમાં કોરોના વાઇરસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૧ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને ૧૮૧૩ પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ ૧૧૪૧ નવા કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૯,૯૦૯ થઈ ગઈ છે.

ટ્રમ્પે કહ્યું કે હું ચીનના કારણે થોડો પરેશાન છું. હું તેમની સાથે પ્રામાણિક છું. રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના દેશનું સન્માન કરું છું. તેમણે અમને આ વિશે જાણ કરવાની જરૂર હતી. અમેરિકાએ ચીનમાં નિષ્ણાત ડૉક્ટર્સ મોકલવાની રજૂઆત પણ કરી હતી, પરંતુ ચીને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

ઇટલીના સિવિલ પ્રૉટેક્શન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં ઇન્ફેક્શનનો આંકડો ૫૯,૧૩૮ સુધી પહોંચી ગયો છે, જ્યારે ૫૪૭૬ લોકોનાં મોત થયાં છે. જોકે સામે ૭૦૨૪ લોકો સાજા પણ થઈ ગયા છે. ઇટલીમાં ૨૧ ફેબ્રુઆરીએ પહેલો કેસ સામે આવ્યો હતો. એના એક મહિના પછી મહામારી રોકવા માટે દેશની અંદરની દરેક યાત્રાઓ રોકવામાં આવી છે. ઇટલીમાં ચીન કરતાં વધારે લોકોનાં મોત થયાં છે.

અમેરિકામાં એક જ દિવસમાં ૧૪,૫૫૦ કેસ નવા નોંધાયા છે. એમાંથી એક તૃતીયાંશ કેસ માત્ર ન્યુ યૉર્ક શહેરના છે. અહીં ૨૪ કલાકમાં ૧૨,૩૪૫ કેસ નોંધાયા છે.

italy rome international news coronavirus covid19