76 દિવસ પછી લૉકડાઉનની કેદથી આઝાદ થયું ચીનનું વુહાન

09 April, 2020 10:41 AM IST  |  Wuhan | Agencies

76 દિવસ પછી લૉકડાઉનની કેદથી આઝાદ થયું ચીનનું વુહાન

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં કોરોના વાઇરસનું સૌપ્રથમ એપી સેન્ટર બનેલા ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસ બાદ જનજીવન ફરી રસ્તા પર ધબકતું જોવા મળ્યું હતું. વુહાન શહેરમાં લૉકડાઉનની સમાપ્તિ થવાથી લોકો જાહેરમાર્ગો પર ફરી નીકળ્યા હતા. જોકે હજુ પણ લોકો કોરોના વાઇરસના સંક્રમણના ભય હેઠળ જણાય છે અને તેઓ માસ્ક તેમ જ સંપૂર્ણ બોડી સ્યૂટ પહેરીને બહાર આવી રહ્યા છે.

૨૩ જાન્યુઆરીના ચીનના વુહાન શહેરને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું હતું. બુધવારે રાત્રે ૧૨.૫૦ કલાકે લૉકડાઉન ખૂલતા જ ટ્રેન અને બસ વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. વુહાન શહેરમાં લૉકડાઉન ખુલ્યા બાદ ચીનના મોટા ભાગના હાઇવે પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વુહાનની વસ્તી ૧.૧ કરોડ લોકોની છે.

ચીનના વુહાનમાં કોરોના વાઇરસથી ૫૦,૦૦૦થી વધુ લોકો સંક્રમિત થયા હતા અને ૨૫૭૧ લોકોનું મૃત્યુ થયું હતું. ચીનમાં થયેલાં કુલ મૃત્યુ પૈકી વુહાનમાં જ ૮૦ ટકા લોકો મૃત્યુ પામ્યા હતા.

બુધવારે લૉકડાઉન ખૂલતા ૫૫,૦૦૦ લોકો શહેરમાંથી બહાર પ્રયાણ કરશે. આ માહિતી બુક થયેલી ટિકિટના આધારે મળી છે. ચીનમાં વાઇરસનું જોર ટોચ પર હતું ત્યારે વુહાન શહેરમાં સત્તાધીશોએ નાગરિકોને સંપૂર્ણ લૉકડાઉનમાં રાખવાની ફરજ પડી હતી. પોલીસ પેટ્રોલિંગ અને ઇમર્જન્સી કાર્યકરો સિવાય અન્ય કોઈ પણ ખાનગી વ્યક્તિની ચહલપહલ જોવા મળી નહોતી.

નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી ચીન દ્વારા વુહાનમાંથી ૭૬ દિવસના લૉકડાઉનનો અંત લાવવામાં આવ્યો છે. કોરોના વાઇરસની મહામારી બાદથી મંગળવારે ચીનમાં એકપણ કોરોના વાઇરસનો નવો કેસ નોંધાયો નહોતો.

china coronavirus international news covid19