સંક્રમિત લોકોનો આંકડો સાત લાખને પાર, સ્પેનમાં વધુ 821નાં મોત

31 March, 2020 12:50 PM IST  |  Rome/Madrid | Agencies

સંક્રમિત લોકોનો આંકડો સાત લાખને પાર, સ્પેનમાં વધુ 821નાં મોત

પ્રતીકાત્મક તસવીર

કોરોનાએ તેનો કાળમુખો પંજો સમગ્ર વિશ્વ પર ફેલાવ્યો છે અને અત્યાર સુધીમાં કોરોના વાઇરસને પગલે દુનિયાભરમાં ૭,૨૨,૧૯૬ લોકો શિકાર બન્યા છે તેમ જ ૩૩,૯૭૬ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાનો મહા પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સાત લાખ વધુ લોકોને પોતાની લપેટમાં લેનાર આ કોરોના સામે વિશ્વભરના દેશો વામણા પુરવાર થયા છે. બીજી તરફ દોઢ લાખ લોકો આ બીમારીમાંથી ઊગરી શક્યા છે જે સારી બાબત જણાય છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે જેને પગલે આંકડો ૨૫૦૦ની નજીક પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આગામી બે સપ્તાહમાં કોરોનાથી મૃત્યુનો આંક ટોચ પર હશે. ટ્રમ્પે જણાવ્યું છે કે ૩૦ એપ્રિલ સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ અમલમાં રહેશે. બીજી બાજુ બ્રિટનના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર જૅની હેરીઝે રવિવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના બીજા ફેઝમાં છે. અહીં ૬ મહિનાનું લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.

વર્લોડમીટરના આંકડા મુજબ ઈટલીમાં અત્યાર સુધીમાં ૯૭,૬૮૯ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦,૭૭૯ થયો છે જે વિશ્વમાં સૌથી વધુ છે. સ્પેનમાં ૮૦,૧૧૦ દરદીઓ સામે મૃત્યુઆંક ૬૮૦૦ને પાર કરી ગયો છે. સ્પેન અને ઈટલીની સ્થિતિ ઘણી જ કફોડી છે. ઈટલીમાં વેન્ટિલેટરની અછત વર્તાઈ રહી છે તેમ જ હૉસ્પિટલમાં દરદીઓને રાખવાની જગ્યા પણ નથી.

ચીનમાં સંક્રમણના નવા ૩૧ કેસ સામે આવ્યા છે જેને પગલે કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૮૧,૪૭૦ થઈ છે, જે પૈકી ૩૦ લોકો દેશ બહારના છે. રવિવારે હુબેઈ પ્રાંતમાં ચાર મોત થયાં હોવાનું રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું. વુહાન શહેરમાં ૮ એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. ચીનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૩૩૦૪ ઉપર પહોંચી ગયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનમાં ૧૨૩ મોત થયાં છે, આ સાથે મૃત્યુઆંક ૨૬૪૦ પહોંચી ગયો છે. કુલ પૉઝિટિવ કેસ ૩૮,૩૦૯ નોંધાયા છે. તેમાંથી ૩૪૬૭ લોકો આઇસીયુમાં છે. ૧૨,૩૯૧ લોકો સાજા થઈ જતાં હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસના ૧૫૨૬ કેસ નોંધાયા છે અને ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.

spain coronavirus international news covid19 japan united states of america