અમેરિકાના યુદ્ધજહાજમાં 25 સૈનિકો પૉઝિટિવ

28 March, 2020 02:51 PM IST  |  Washington/Rome/Madrid | Agencies

અમેરિકાના યુદ્ધજહાજમાં 25 સૈનિકો પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસે વિશ્વના ૧૯૫ દેશોમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૫,૩૨,૨૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ૨૪,૦૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧,૨૪,૩૦૦ લોકો સાજા થઈ જતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ચોંકાવનારી વાત એ છે કે ચીનથી શરૂ થયેલા આ વાઇરસથી વધુ ખુવારી બીજા દેશોમાં જોવા મળી રહી છે. કુલ પૉઝિટિવ કેસની સંખ્યામાં ચીન કરતાં અમેરિકા આગળ નીકળી ગયું છે. અમેરિકામાં કુલ પૉઝિટિવ કેસ ૮૫,૫૯૪ નોંધાયા છે, જ્યારે ચીનમાં ૮૧,૩૪૦ કેસ નોંધાયા છે. ચીન કરતાં ઇટલી અને સ્પેનમાં વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઇટલીમાં અત્યાર સુધીમાં ૮૨૧૫ લોકોનાં મોત થયાં છે. સ્પેનમાં ૪૩૬૫ લોકોનાં અને ચીનમાં ૩૨૯૨ લોકોનાં મોત થયાં છે.

અમેરિકાના યુદ્ધજહાજ થિયોડોર રુઝવેલ્ટ પર શુક્રવારે ૨૫ નૌસૈનિકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલાં આ જહાજ પર ત્રણ કેસ પૉઝિટિવ આવ્યા હતા. સંક્રમણના કેસ સામે આવ્યા છતાં ચીફ ઑફ નેવલ ઑપરેશન્સ માઇક ગિલ્ડે કહ્યું કે અમારું વલણ આક્રમક રહેશે. કોઈ પણ સંકટને પહોંચી વળવા માટે જવાબી કાર્યવાહી કરવા માટે અમે સક્ષમ છીએ.

ઇટલીમાં ૩૬ દિવસમાં ૮૨૧૫ લોકોનાં મોત

ઇટલીમાં કોરોના વાઇરસના ૮૦૫૮૯ કેસ નોંધાયા છે જેમાં ૮૨૧૫ લોકોના જીવ ગયા છે. આમાંથી ૩૩૬૪૮ લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ૨૪૭૫૩ને જનરલ વૉર્ડમાં દાખલ કરાયા છે. ૧૦,૩૬૧ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઇટલીમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ ૨૧ ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. છેલ્લા ૪૮ કલાકમાં દેશમાં ૪૪૯૨ નવા કેસ સામે આવ્યા છે.

કોરોના વાઇરસને કારણે સાઉથ આફ્રિકામાં ત્રણ સપ્તાહનું લૉકડાઉન

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સાઉથ આફ્રિકાએ શુક્રવારથી ત્રણ સપ્તાહ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. લૉકડાઉનને અસરકારક બનાવવા માટે સેનાના જવાનો અને પોલીસને તહેનાત કરાયા છે. આ જાહેરાત પછી લોકો જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવા માટે સુપર માર્કેટ પહોંચી ગયા હતા, જ્યારે ઘણા લોકો પોતાના વડીલોને લઈને પોતાના પૈતૃક ગામ જવા માટે રવાના થઈ ગયા હતા. સાઉથ આફ્રિકામાં કોરોના વાઇરસના ૯૨૭ કેસ નોંધાયા છે. જોકે અહીં સંક્રમણને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

united states of america coronavirus covid19 washington rome