અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 2207નાં મોત: કુલ મૃત્યુઆંક 59,000ને પાર

30 April, 2020 12:45 PM IST  |  New York | Agencies

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 2207નાં મોત: કુલ મૃત્યુઆંક 59,000ને પાર

બેલ્જિયમના સેરાઇંગની હૉસ્પિટલના સ્ટાફે ૧૦૦ વર્ષના જુલિયા ડેવિલ્ડેની વિદાય આપતી વખતે તાળી વગાડીને અભિવાદન કર્યું હતું કારણ કે આ માજી કોરોના સામે જીતીને ઘેર પાછાં જઈ રહ્યાં હતાં. તસવીર : એ.એફ.પી.

કોરોના વાઇરસની મહામારીનો કેર અમેરિકા પર સતત વધી રહ્યો છે. આ વાઇરસને કારણે મોતનો આંકડો અહીં ૬૦,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસને કારણે અમેરિકામાં ૨૨૦૭ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા મોતના આંકડામાં ઘટાડા બાદ એક વાર ફરી આ નંબરમાં ઉછાળો થયો છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટી અવુસાર, અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઇરસની ઝપેટમાં ૧૦ લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે જે કોઈ પણ દેશમાં સૌથી વધુ છે. અહીં કુલ ૧૦,૧૨,૩૯૯ લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે ૫૮,૦૦૦થી વધુનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં અત્યાર સુધી ૫૮ લાખથી વધુ લોકોની કોરોના વાઇરસની ટેસ્ટ થઈ ચૂકી છે. મહત્ત્વનું છે કે પાછલા રવિવાર અને સોમવારે અમેરિકામાં મોતનો આંકડો ઘટીને ૧૦૦૦ અને ૧૨૦૦ આસપાસ આવી ગયો હતો ત્યારે આશા વ્યક્ત કરવામાં આવી કે અમેરિકામાં મોતની ગતિ ધીમી થઈ રહી છે, પરંતુ એક વાર ફરી મોટો ઉછાળો આવ્યો છે.

સિંગાપોરના સંશોધનકર્તાઓનો દાવો : ૩૧ જુલાઈ સુધી ભારતમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે કોરોના

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં કોરોના વાઇરસને કારણે ૭૦,૦૦૦ સુધી મોત થઈ શકે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જે ગતિથી આંકડો અમેરિકામાં વધી રહ્યો છે અને આ મહામારીની કોઈ સારવાર આવી રહી નથી એવામાં આ આંકડાને રોકવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધી કોરોના વાઇરસની ઝપેટમાં ૩૧ લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે, જ્યારે ૨ લાખ ૧૭ હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

belgium new york coronavirus covid19