કોરોના સંકટ : અમેરિકામાં ચોવીસ કલાકમાં 1480 લોકોનાં મોતથી હાહાકાર

05 April, 2020 09:33 AM IST  |  Washington | Agencies

કોરોના સંકટ : અમેરિકામાં ચોવીસ કલાકમાં 1480 લોકોનાં મોતથી હાહાકાર

ફાઈલ ફોટો

કોરોના વાઇરસને કારણે અમેરિકામાં બરબાદીનો માહોલ છે. દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૮૦ લોકોનાં મોત થયાં છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર પ્રમાણે ગુરુવારથી શુક્રવારનો દિવસ અમેરિકા માટે ખૂબ ખરાબ રહ્યો છે. આ દરમિયાન અહીં ૧૪૮૦ મોત થયાં છે. આ એક રેકૉર્ડ છે. કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ દેશમાં ૨૪ કલાકમાં આટલાં મોત નથી નોંધાયાં.

નવા આંકડા પ્રમાણે અમેરિકામાં કોવિડ-19ના ચેપને કારણે કુલ ૭૪૦૬ લોકોનાં મોત થયાં છે. એકલા ન્યુ યૉર્કમાં જ ૩૦૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે. દર કલાકે મોતનો આંકડો વધી રહ્યો છે. એટલું જ નહીં, અહીં એક લાખથી વધારે લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો છે. જ્યારે આખા અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓની સંખ્યા અઢી લાખથી વધારે છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને ન્યુ યૉર્કના ગવર્નરે અન્ય રાજ્યના ગવર્નરોને મહામારી સામે લડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

આ દરમિયાન અમેરિકામાં તમામ લોકોને માસ્ક પહેરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ માસ્ક નહીં પહેરે. આ પહેલાં સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત કોરોના વાઇરસના દરદીઓની દેખરેખ રાખતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, પરંતુ હવે સામે આવ્યું છે કે આ વાઇરસ ખૂબ જ ખતરનાક છે આથી તમામ લોકોએ માસ્ક પહેરવું જોઈએ. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હાલમાં તેઓ નવી માર્ગદર્શિકાને નહીં માને.

અમેરિકામાં સતત વધી રહેલા મોતના આંકડા બાદ ખુદ અમેરિકાના તંત્રએ કોરોનાની મહામારીને કારણે આશરે બે લાખ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. હકીકતમાં અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ ખાસ કરીને વૃદ્ધો તેમ જ ભૂતકાળમાં કોઈ બીમારી હોય તેવા લોકોને વધારે શિકાર બનાવે છે, પરંતુ ન્યુ યૉર્કમાં અચાનક યુવાનોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવતાં હાહાકાર મચી ગયો છે.

ચૂંટણી સમયસર યોજાશે: ટ્રમ્પ

ન્યુ યૉર્ક ટાઇમ્સ મુજબ અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી નિર્ધારિત સમયે ત્રણ નવેમ્બરના રોજ યોજાશે. તેઓએ કહ્યું કે તેઓ મતદાન માટે ઉપયોગમાં લેવાતા બેલેટના સમર્થનમાં નથી. મતદાન પૉલિંગ બૂથમાં કરાવવું જોઈએ. જોકે કોરોનાને કારણે ઘણાં રાજ્યોમાં ચૂંટણી સ્થગિત કરી દેવાઈ છે અને ડેમોક્રૅટિક પાર્ટીએ આ મહામારીના કારણે જુલાઈ અને ઑગસ્ટ વચ્ચે નામાંકન સંમેલનને સ્થગિત કરી દીધું છે.

coronavirus covid19 united states of america international news