ઈરાને મદદ ન કરતાં 6000 જેટલા ભારતીયોની જિંદગી પર મંડરાયું મોત

13 March, 2020 10:45 AM IST  |  New Delhi

ઈરાને મદદ ન કરતાં 6000 જેટલા ભારતીયોની જિંદગી પર મંડરાયું મોત

કોરોના વાઈરસ

ચીન બાદ ઇટલી અને ઈરાન જીવલેણ કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ છે. ઈરાનમાં સેંકડો ભારતીય પણ ફસાયેલા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે. ભારત સરકાર ઈરાનમાં જ એક લૅબ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. જોકે ઈરાનની જીદના કારણે ભારત ત્યાં પોતાની લૅબ સ્થાપિત કરવામાં સફળ થઈ શક્યું નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને આજે લોકસભામાં કોરોના મામલે જાણકારી આપતાં જણાવ્યું કે ભારત ઈરાનમાં એક લૅબ સ્થાપિત કરવા માટે સામાન મોકલી ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી કસ્ટમ ક્લિયરન્સ નથી મળ્યું. તેમણે કહ્યું કે ઈરાન સરકાર જો જલદી સહયોગ કરે તો ત્યાં જલદીથી લૅબ બનાવવામાં આવી શકે છે, પરંતુ અત્યાર સુધી ભારતને લૅબ માટે લીલી ઝંડી મળી નથી.

હર્ષવર્ધને જણાવ્યું કે ભારતની યોજના ત્યાં લૅબ સ્થાપિત કરીને ત્યાં જ ભારતીયોનાં સૅમ્પલ ટેસ્ટ કરવાની હતી. તેમણે લોકસભામાં કહ્યું કે ‘અમે ઈરાનમાં ફસાયેલા ભારતીયોનાં સૅમ્પલ ટેસ્ટ ત્યાં જ કરવા ઇચ્છીએ છીએ. આ માટે અમે અનેક ટન વજન સામાન લૅબ માટે ઈરાન મોકલ્યો જેથી જેમના ટેસ્ટ નેગેટિવ આવે તેમને ભારત મોકલવામાં આવી શકે. અમે ત્યાર બાદ આ લૅબને ઈરાનને ડોનેટ કરી દેવાના હતા, પરંતુ ત્યાં કસ્ટમ ક્લિયરન્સમાં મોડું થવાના કારણે અમે લૅબ સ્થાપિત નથી કરી શક્યા.’

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી, પુણેથી એક વૈજ્ઞાનિકને ઈરાન મોકલવામાં આવ્યો છે, જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચથી અન્ય ત્રણ વૈજ્ઞાનિક પણ ઈરાનમાં હાજર છે. ઈરાનમાં ૬૦૦૦થી વધારે ભારતીયો ફસાયેલા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થી અને તીર્થયાત્રી છે. કોરોનાએ ઈરાનમાં ઘણો જ કેર મચાવી રાખ્યો છે. ઈરાનમાં ૯૦૦૦થી વધારે લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને ૩૫૪ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

iran coronavirus international news